આરોપીઓએ ચોરને પ્લાસ્ટિકની પાઈપો, ખીલીઓ લગાવેલી લાકડાની પટ્ટીઓ અને લોખંડની પાઈપથી મારતા ગંભીર ઈજા પહોંચી હતી
Mehsana, તા.૧૩
Mehsana કડી તાલુકાના નાનીકડી વિસ્તારમાં એક નવી બનતી રહેણાંક સ્કીમની સાઈટ પર લોખંડની જાળી ચોરી કરતાં પકડાયેલા બે યુવકોને રૂમમાં ગોંધી રાખી, ચાર શખ્સોએ આખો દિવસ ઢોર માર મારતાં ગંભીર ઈજાઓ થવાના કારણે એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે ગંભીર ઘાયલ બીજા યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
કડી પોલીસે ચાર જણા સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.કડી તાલુકાના ખાવડ ગામના વતની અને હાલ નાની કડીની અષ્ટવિનાયક સોસાયટીમાં પરિવાર રહેતો પ્રજ્ઞેશકુમાર શૈલેષભાઈ પંચાલ (ઉં.વ.૩૦) થોળ ખાતે એન.કે.પ્રોટીન કંપનીમાં મજૂરી કામ કરે છે. ગુરુવારે સવારે દસેક વાગ્યે પ્રજ્ઞેશકુમાર અને તેમના પિતાના મામાનો દીકરો રવિ અશોકભાઈ પંચાલ (રહે. મણિપુર, ફાટી પોળ, તા.કડી) બંને ભાગ્યોદય ચોકડીએ ભેગા થયા હતા.
બંને પાસે પૈસા ન હોવાથી અને પૈસાની જરૂરિયાત હોવાથી તેઓએ નાની કડીમાં નવી બનતી ‘શ્રી ગણેશ વિલા’ સોસાયટીની સ્કીમ પરથી લોખંડનો સામાન ચોરીને વેચી પૈસા કમાવાનું નક્કી કર્યું હતું. બંને જણા રવિના બાઈક પર સાડા દસ વાગ્યે ગણેશ વિલા સોસાયટીમાં ગયા હતા. જ્યાંથી લોખંડની એક જાળી ચોરીને બાઇક પર ભાગી રહ્યા હતા ત્યારે બાઇક સ્લિપ થઈ જતાં તેઓ નીચે પડી ગયા હતા. એ સમયે સાઇટ પર હાજર પિનાકીન પટેલ, અભિષેક પટેલ, અંકીત પટેલ અને મિતુલ સુથારે ત્યાં આવીને બંનેને લોખંડની જાળી સાથે પકડી પાડ્યા હતા અને ત્યાં એક નવા બનતા મકાનમાં લઈ જઈ એક રૂમમાં પુરી દીધા હતા. સવારે ૧૦ઃ૩૦ વાગ્યાથી સાંજના ૬ઃ૦૦ વાગ્યા સુધી બંનેને રૂમમાં ગોંધી રાખી વારાફરથી આવીને પ્લાસ્ટિકની પાઈપો, સેન્ટીંગના ફર્મા ગોઠવવા માટે વપરાતી ખીલીઓ લગાવેલી લાકડાની પટ્ટીઓ અને લોખંડની પાઈપથી રવિ અને પ્રજ્ઞેશને આડેધડ બેરહેમીથી માર માર્યો હતો અને અપશબ્દો બોલ્યા હતા.
મિતુલ સુથારે પ્રજ્ઞેશને તારા પિતાને બોલાવું તેમ કહીં તેમનો ફોન નંબર લીધો હતો અને ત્યાર બાદ પણ તેમને માર્યા હતા. સાંજે આશરે છ વાગ્યે બંને યુવકોના પિતા ત્યાં પહોંચ્યા ત્યારે આ બાબતની જાણ કરી તેમની હાજરીમાં પણ બંનેને માર માર્યો હતો અને તેમના પર પાણી ઢોળી સાફ કર્યા બાદ ઘરે લઈ જવા દીધા હતા. આ હુમલામાં પ્રજ્ઞેશને બરડાના ભાગે, ગુદાના ઉપરના ભાગે ખીલીઓ વાગી હતી અને ડાબી બાજુની પાંસળીમાં ળેક્ચર જેવી ગંભીર ઈજાઓ થઈ હતી.
ઘરે પહોંચ્યા બાદ રવિ પંચાલની તબિયત લથડી હતી અને રાત્રે આશરે સાડા નવથી દસ વાગ્યાના અરસામાં તેનું મોત નીપજ્યું હતું. જેથી પ્રજ્ઞેશને તાત્કાલિક કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં લઈ જઈ સારવાર શરૂ કરાઈ હતી.આ બાબતે ઈજાગ્રસ્ત પ્રજ્ઞેશકુમારે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે પિનાકીન પટેલ (રહે. અગોલ, તા.કડી), અભિષેક પટેલ, અંકીત પટેલ અને મિતુલ સુથાર (ત્રણેય રહે. કડી) સામે હત્યા સહિતનો ગુનો નોંધી પીઆઈ એ.એસ.રબારીએ વધુ તપાસ હાથ ધરી છે.

