મોટી સંખ્યામાં વૈષ્ણવોએ દર્શન, કીર્તન અને મહાપ્રસાદનો લાભ લીધો
(દિનેશ જોશી દ્વારા) Kodinar તા.૧૫
પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ માટે આનંદ, ભક્તિ અને આધ્યાત્મિક ઉત્સાહનો અવસર બની રહે તેવા ભવ્ય આયોજન અંતર્ગત કોડીનાર ખાતે આવેલ શ્રી નવનીતપ્રિયાજીની હવેલીમાં પ્રથમવાર ભવ્ય ૫૬ ભોગ બડો મનોરથ તથા અલૌકિક શ્રીનાથજીની ઝાંખીનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા ધાર્મિક મહોત્સવમાં કોડીનાર સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવોએ ઉપસ્થિત રહી ઠાકોરજીના અલૌકિક દર્શન, કીર્તન-ભજન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.
પુષ્ટિમાર્ગમાં બડો મનોરથ ને વિશેષ મહત્વ આપવામાં આવે છે. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી દ્વારા સ્થાપિત પુષ્ટિમાર્ગીય પરંપરામાં ભગવાનને પ્રેમ, ભાવ અને સમર્પણથી વિવિધ ભોગ અર્પણ કરી તેમને લાડ લડાવવાનું વિશેષ સાધન માનવામાં આવે છે. છપ્પન ભોગ ભગવાન પ્રત્યેના અતિશય પ્રેમ, કૃતજ્ઞતા અને સેવાભાવનું પ્રતીક ગણાય છે. માન્યતા મુજબ દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણે ગોવર્ધન પર્વત સાત દિવસ સુધી ધારણ કર્યો ત્યારે બ્રજવાસીઓએ તેમના પ્રત્યેના પ્રેમભાવથી ૭ દિવસના ૮ પ્રહર મુજબ કુલ ૫૬ ભોગ અર્પણ કર્યા હતા. આ જ દિવ્ય ભાવનાને શ્રી વલ્લભાચાર્યજીએ પુષ્ટિમાર્ગમાં ભક્તિસ્વરૂપે જીવંત રાખી છે. ત્યારે અધિક માસ નિમિત્તે કોડીનાર પંથક ના સમગ્ર પુષ્ટિપ્રિય વૈષ્ણવ સમાજ તથા ધર્મપ્રેમી પરિવારોના સહયોગથી શ્રી નવનીતપ્રભુ, શ્રી બાલકૃષ્ણપ્રભુ, શ્રી નટવરલાલપ્રભુ અને શ્રી ગોવર્ધનનાથજી પ્રભુને અર્પણ થનારા ૫૬ ભોગ બડો મનોરથનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. પુષ્ટિમાર્ગમાં આ મનોરથને સર્વોચ્ચ અને સૌથી ભવ્ય ઉત્સવ માનવામાં આવે છે, કારણ કે તેમાં વૈષ્ણવો દ્વારા અત્યંત શુદ્ધતા, અપરસ અને સેવાભાવ સાથે વિવિધ પ્રકારની મીઠાઈઓ, પકવાન, અન્ન અને વ્યંજનો તૈયાર કરી ઠાકોરજીને અર્પણ કરવામાં આવે છે.

