Milan Joshi,Junagadh તા. ૧૬
કેશોદ તાલુકાના ઈશરા ગામે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રાત્રિના સમયે રૂ. ૧,૯૫ લાખના મુદ્દામાલની ચોરી કરી લઈ જતાં લોકોમાં ચોર તસ્કરોનો ભય ફેલાયો છે. બીજી બાજુ આ ગુનામાં સંડોવાયેલ અજાણ્યા આરોપીને ઝડપી પાડવા માટે કેશોદ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
કેશોદ તાલુકાના ઈશરા ગામે રહેતાં અને કર્મકાંડ કરી, પરિવારનું ગુજરાન ચલાવતા રમેશભાઈ નરભેશંકર જોષી (ઉ.વ. ૬૫) એ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોધવેલ ફરિયાદ મુજબ ગત તા. ૧૩ ના રોજ સાંજે પાંચેક વાગ્યાના અરસામાં તેઓ તેમની પત્ની, દીકરો, પુત્રવધૂ તથા પૌત્ર સાથે નુનારડા ગામે તેમના બેનના ઘરે આંટો દેવા ગયેલ હતા. અને મકાન બંધ હતું. દરમિયાન બીજા દિવસે સવારે સાડા છ વાગ્યા પહેલાના અરસામાં કોઈ તસ્કરોએ મકાનના મુખ્ય લોખંડના ડેલા તથા રૂમના દરવાજાનું તાળું તોડી, રૂમમાં રહેલ લોખંડના કબાટની તિજોરી તોડી, કબાટનો સામાન વેરવિખેર કરી, કબાટની તિજોરીમાં મુકેલ થેલીમાંથી સોનાનો હાર -૧, ૪ જોડી બુટ્ટી, વીંટી – ૧ તથા સોનાના દાણા ૬ મળી કુલ આશરે ૪ તોલા સોનાના દાગીના તથા ચાંદીના સાંકળા, કંદોરો, નજરિયા, પોંચી, લક્કી, સિક્કા તથા રોકડ રૂ. ૨૦,૦૦૦ મળી કુલ રૂ. ૧,૯૫,૦૦૦ ના મુદ્દામાલની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયેલ છે.
કેશોદ પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઈન્સપેકટર જે.આર.વાઝા ચલાવી રહ્યા છે. બનાવ સ્થળે પોલીસ દ્વારા બારીકાઈથી વિવિધ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. અને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ ચેક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

