વડીલોપાર્જિત જમીનમાં અવરજવરના રસ્તા બાબતે પાડોશીઓ સાથે છેલ્લા ૨૦ વર્ષથી વિવાદ અને બોલાચાલી ચાલતી હતી
Amreli તા.૧૬
જમીનના રસ્તા બાબતે છેલ્લા ૨૦ વર્ષથી ચાલતી હેરાનગતિ અને પાડોશીઓના અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને અમરેલી જિલ્લાના વડિયાના એક ખેડૂતે આપઘાત પૂર્વે વીડિયો બનાવી વાડીમાં જ ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હોવાની ઘટના સામે આવી છે. મૃતક ખેડૂત મનસુખભાઈ ખીમાભાઈ સોજીત્રાએ આપઘાતનું પગલું ભરતા પહેલા એક વીડિયો રેકોર્ડ કરીને વાયરલ કર્યો હતો.
તેમણે આ વીડિયોમાં આક્ષેપ કર્યો હતો કે, તેમની બરવાળા બાવળ રોડ પર આવેલી ચાર વીઘા વડીલોપાર્જિત જમીનમાં અવરજવરના રસ્તા બાબતે પાડોશીઓ સાથે છેલ્લા ૨૦ વર્ષથી વિવાદ અને બોલાચાલી ચાલતી હતી. આ રસ્તાના પ્રશ્ને તેમને લાંબા સમયથી સતત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો.મૃતકના પુત્ર નિકુંજભાઈ સોજીત્રાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર, આરોપી બાલાભાઈ મનજીભાઈ સોજીત્રા અને ભાવેશભાઈ બાલાભાઈ સોજીત્રાએ છેલ્લા બે મહિનાથી મનસુખભાઈને તેમની જ જમીનમાં ખેતીકામ કરવા માટે આવવા-જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો હતો.
મનસુખભાઈ જ્યારે પણ પોતાના ખેતરે જવાનો પ્રયાસ કરતા, ત્યારે આ બંને શખ્સો રસ્તો રોકીને ઊભા રહી જતા, જાહેરમાં ગાળો આપતા અને તેમને વારંવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા. આરોપીઓના ત્રાસ, સતત દબાણ અને ખેતર સુધી ન પહોંચી શકવાની લાચારીથી કંટાળીને મનસુખભાઈએ પોતાની વાડીમાં જઈને ઝેરી દવાના ટીકડા પી લીધા હતા. ગંભીર હાલતમાં તેમને તાત્કાલિક સારવાર અર્થે ગોંડલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે તેમનું અવસાન નીપજ્યું હતું.

