ખુન, દુષ્કર્મ અને નશીલા પદાર્થ સહિત ૨૧ ગંભીર ગુનાઈત ઇતિહાસ
Junagadh તા. ૧૬
જૂનાગઢ રેન્જ પોલીસ ટીમે ખુન, દુષ્કર્મ અને નશીલા પદાર્થ સહિત ૨૧ જેટલા ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતાં અને હથિયારના ગુનામાં ફરાર રીઢા આરોપીને ધોરાજીથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ રેન્જ પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન, જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયેલા ગંભીર ગુનામાં લાંબા સમયથી ફરાર એક રીઢા અને માથાભારે આરોપીને ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસને મળેલ બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ધોરાજીના સાંધાણિયા બજાર વિસ્તારમાંથી બાબર ઉર્ફે સલીમ હાજી ઇસ્માઇલ કુરેશી (ઉ.વ. ૪૨) ને પોલીસે દબોચી લીધો હતો. આરોપીની પૂછપરછ અને રેકોર્ડની ચકાસણી કરતા ચોંકાવનારા વિગતો સામે આવી છે.
આ કુખ્યાત ગુનેગાર વિરુદ્ધ ભૂતકાળમાં હત્યા, બળાત્કાર, એન.ડી.પી.એસ., લેન્ડ ગ્રેબિંગ એક્ટ અને દારૂબંધી જેવા કુલ ૨૧ જેટલા ગંભીર ગુનાઓ રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા છે. આ ઉપરાંત, તેની સામે બે વાર પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસની પકડમાંથી સતત બચી રહેલા આ રીઢા આરોપીને પકડી પાડવા માટે પોલીસની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લીધી હતી. આરોપીને હાલ કસ્ટડીમાં લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળતાથી જૂનાગઢ પોલીસની સતર્કતા ફરી એકવાર સાબિત થઈ છે.

