Junagadh,તા.૧૬
Junagadh જિલ્લા કોંગ્રેસ સમિતિમાં નાણાકીય ગેરરીતિનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. વર્તમાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ દ્વારા તાજેતરમાં પૂરી થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાર્ટી દ્વારા તાલુકા અને શહેર પ્રમુખોને આપવામાં આવેલા ૨૫,૦૦૦ રૂપિયાના ફંડમાં ગડબડ કરવામાં આવી હોવાનો ગંભીર આરોપ વર્તમાન જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ધીરુભાઈ કુંભાણીએ લગાવ્યો છે. તેમણે આ સમગ્ર મામલામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને રજૂઆત કરી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ જૂનાગઢ જિલ્લામાં કોંગ્રેસ એકદમ મૃતપાય અને હાસીયાની બહાર રાજકીય રીતે થયેલી જોવા મળે છે. મોટાભાગની તાલુકા પંચાયતમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની ૩૦ બેઠકો પૈકી ગત બોર્ડમાં કોંગ્રેસ પાસે રહેલી છ બેઠકો બચાવવામાં પણ કોંગ્રેસ નિષ્ફળ રહી છે.
જુનાગઢ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો એક પણ ઉમેદવાર ચૂંટણી જીતવામાં સફળ રહ્યો નથી.
ધીરુભાઈ કુંભાણીએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો એકદમ ભારે પરાજય થયો હતો. ત્યારબાદ સંગઠનમાં ઉથલપાથલ થશે તેવું માનવામાં આવતું હતું. આ દરમિયાન, તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારો માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર અને તાલુકા પ્રમુખો માટે ૨૫ હજાર રૂપિયાના ચૂંટણી ફંડની જાહેરાત કરવામાં આવી હતી. આ ચૂંટણી ફંડ જુનાગઢ જિલ્લા પ્રમુખ અમિત પટેલના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યું હતું. પરંતુ આજ દિન સુધી કેટલાક શહેર અને તાલુકા પ્રમુખના ખાતામાં આ ફંડ જમા થયું નથી.
ધીરુભાઈ કુંભાણીએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને લખેલા ચાર પાનાના પત્રમાં આ સનસનીખેજ આરોપ લગાવ્યો છે. તેમણે લખ્યું છે કે જિલ્લા કોંગ્રેસ પ્રમુખના ખાતામાં જે બાકી રહેતા પૈસા હતા તે પ્રદેશ કોંગ્રેસના ખાતામાં અથવા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના બેંક એકાઉન્ટમાં પરત જમા કરાવીને કોંગ્રેસના રૂપિયા પાર્ટીમાં રહે તેવી માંગ કરી છે.
અમિત પટેલ ઉપર અગાઉ પણ આવા આરોપો લાગ્યા હતા. ૨૦૨૨ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં તેમણે ઉમેદવાર ભીખાભાઈ જોશી વિરુદ્ધ કામ કરવાના આક્ષેપો થયા હતા. ત્યારબાદ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીમાં પણ અમિત પટેલ વિરુદ્ધ પાર્ટીની શિસ્ત અને ગેરરીતિઓ આચરવાની અનેક ફરિયાદો થઈ હતી. તત્કાલીન પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા અમિત પટેલને ચૂંટણીના સમયમાં જ પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ નવા આવેલા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જુનાગઢ શહેરમાં મનોજ જોશી અને અમિત પટેલ બંને નેતાઓને કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક આપી હતી. થોડા મહિનાઓ પછી અમિત પટેલને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.
આ સમગ્ર મામલામાં ધીરુભાઈ કુંભાણીના ધર્મપત્ની મેંદરડા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા. ચૂંટણીમાં તેમના પત્નીનો પરાજય થયો હતો. ત્યારબાદ પ્રદેશ કોંગ્રેસ દ્વારા મેંદરડા તાલુકાના પ્રમુખ તરીકે જોલિત બુસાની નિમણૂક કરી હતી. તે સમયે ધીરુભાઈ કુંભાણીની પ્રદેશ કોંગ્રેસ દ્વારા જિલ્લા ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. અમિત પટેલ સાથે ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ અમદાવાદ ખાતે હોવાની વિગતો મળી હતી. તેમણે જણાવ્યું કે આ મામલામાં માત્ર પાયા વિહોણા આક્ષેપો છે, તેથી તેઓ કશું કહેવા માગતા નથી. આગામી દિવસોમાં પાર્ટીમાં કેટલાક રાજીનામાં અને પક્ષ દ્વારા કેટલાક લોકોને સસ્પેન્ડ કરવા સુધીના પગલાં આગળ વધી શકે છે.

