Panchmahal,તા.૧૬
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી ‘જલ જીવન મિશન’ યોજના ફરી એકવાર ચર્ચામાં આવી છે. તાલુકાના વિવિધ વિસ્તારોના જાગૃત નાગરિકો, સામાજિક કાર્યકરો અને આદિવાસી સમાજના પ્રતિનિધિઓએ યોજનાના અમલીકરણમાં ગંભીર ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે નિષ્પક્ષ અને ન્યાયિક તપાસની માંગણી કરી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે ઘોઘંબા તાલુકો આદિવાસી અને પછાત વિસ્તાર તરીકે ઓળખાય છે, જ્યાં દરેક પરિવારોને શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાના હેતુથી સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. ‘નલ સે જલ’ યોજના અંતર્ગત ગામડાઓમાં ઘર સુધી પાણી પહોંચાડવાના દાવા કરવામાં આવ્યા હતા.
ફરિયાદ મુજબ સરકારી પોર્ટલ પર અનેક ગામોમાં યોજના સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. સરકારી રેકોર્ડમાં તમામ લાભાર્થીઓ સુધી પાણીની સુવિધા પહોંચ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ સ્થાનિક લોકોનો દાવો છે કે વાસ્તવિક સ્થિતિ આ દાવાઓથી સંપૂર્ણપણે વિપરીત છે.ઘણા ગામોમાં આજે પણ લોકો પીવાના પાણી માટે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને નિયમિત પાણી પુરવઠો મળતો નથી.
આવેદનપત્રમાં ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે યોજના હેઠળ થયેલા કામમાં ગુણવત્તાનો અભાવ જોવા મળે છે અને કેટલીક જગ્યાએ કામ પૂર્ણ થયા વગર જ પૂર્ણ બતાવવામાં આવ્યું હોવાની શંકા છે. આ મામલે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો તેમજ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે જો સમગ્ર પ્રોજેક્ટની સ્વતંત્ર અને ન્યાયિક તપાસ કરવામાં આવે તો યોજનાના અમલીકરણ દરમિયાન થયેલી ગેરરીતિઓ અને વહીવટી બેદરકારી બહાર આવી શકે છે. સાથે જ જવાબદાર તત્વો સામે યોગ્ય કાર્યવાહી થાય તો લોકોને ન્યાય મળી શકે છે. આવેદનપત્ર મળ્યા બાદ હવે જિલ્લા વહીવટી તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સ્થાનિક લોકોની નજર ટકેલી છે. ગ્રામજનો આશા વ્યક્ત કરી રહ્યા છે કે પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા સંબંધિત મુદ્દે યોગ્ય તપાસ કરીને જવાબદારો સામે પગલાં લેવામાં આવશે.

