ફાલ્ગુની વસાવડા
આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આજે સોમવાર એટલે ચરિત્રની ઓળખ! હમણાં આપણે મહાભારતનાં પાત્રો વિશે ચિંતન કરી રહ્યાં છીએ, વેદ વ્યાસ, ગંગા પુત્ર ભીષ્મ, ધૃતરાષ્ટ્ર ગાંધારી પાડું, અને એજ ક્રમમાં હવે કુંતી! કુરુવંશનાં પાત્રોનાં જીવન પરથી એવું લાગે કે એ કાળ સ્પર્ધાનો કાળ હતો! અને એ પણ અંદરોઅંદર કોણ શ્રેષ્ઠની સ્પર્ધા! સ્પર્ધા હોય ત્યાં ધીરેધીરે શ્રદ્ધા લુપ્ત થતી જાય! પરંતુ અમુક પાત્રોમાં શ્રદ્ધા, ત્યાગ અને સમર્પણથી ભરેલ છે! પતિ નાં સુખ દુઃખમાં સદા સહભાગી થવું એ તો સદીઓની પરંપરા છે જ! પણ પતિનાં કર્તવ્ય માટે ખોટી પરંપરાને તોડવાનું સાહસ કુંતી એ બતાવ્યું! અને એ પુત્રોનાં ઉછેર માટે માદ્રી જેમ સતી થઇ નહીં. કુંવારી માતા એ આજના ઘોર કળિયુગમાં પણ હજી સહજ ક્ષમ્ય નથી તો એ સમયે તો ક્યાંથી હોય! પોતાનાં હોવા છતાં પતિ બીજી પત્ની લાવે! પતિ ઋષિ અપરાધ કરે છતાં મહેલ છોડી વનગમનનું કષ્ટ ભોગવવું પડ્યું! પતિનાં અવસાન પછી યુધિષ્ઠિર ગાદીના સીધાં વારસદાર તરીકે યોગ્ય હોવાં છતાં, અત્યંત કષ્ટ ભર્યું જીવન, અને સૌથી વધુ મા જ્યારે જાણી ગઈ હોય કે આ તેનો પુત્ર છે, એટલે કે કર્ણ! છતાં હજી સમાજ સામે એનો સ્વીકાર કરી શકે નહીં! મમતા લૂંટાવી શકે નહીં! અને પુત્રના મનમાં નફરતનું સ્થાન હોય! આવી તો કેટલીય વિપત્તિથી ભરેલ જીવન ચરિત્ર ધરાવતી કુંતી વિશે આજે ચિંતન કરીશું
કુંતી નાં જીવન વિશે આપણે સૌ જાણીએ જ છીએ કે કુરુ વંશનાં રાજા પાડું ની પ્રથમ પત્ની અને પાંચ પાંડવો માંથી યુધિષ્ઠિર ભીમ અને અર્જુનની માતા હતી. પરંતુ કુંતી નું મૂળ નામ પૃથા હતું, અને મૂળ યાદવ પ્રમુખ શૂરાસેનના ઘરે જન્મેલી, પૃથાને તેના નિઃસંતાન કાકા કુંતીભોજે દત્તક લીધી હતી અને ત્યારબાદ તેને કુંતી નામ આપવામાં આવ્યું હતું. પોતાની કિશોરાવસ્થા દરમિયાન, તેણીએ દુર્વાસા ઋષિની કૃપા મેળવી એક દૈવી મંત્ર મેળવે છે, જેનો ઉપયોગ તે કોઈ પણ દેવતાને આહ્વાન કરવા અને તેના બાળકને જન્મ આપવા માટે કરી શકે છે. કુતૂહલવશ, તેણે આ મંત્રનો ઉપયોગ સૂર્યદેવને પ્રાર્થના કરવા માટે કર્યો, જેના પરિણામે તેના પુત્ર કર્ણનો જન્મ થયો. વિવાહ પૂર્વે બાળકને જન્મ આપવા સાથે સંકળાયેલા સામાજિક કલંકનો સામનો કરતા, કુંતીએ પોતાના સન્માનની રક્ષા માટે પોતાના પુત્રને છોડી દેવાની ફરજ પડી હતી, અને એણે તેને નદીના જળમાં વહાવી દીધો હતો.
લગ્નની ઉંમર થતાં કુંતીભોજે કુંતીના સ્વયંવરનું આયોજન કર્યું. કુંતીએ હસ્તિનાપુરના રાજા પાંડુની પસંદગી કરી અને તે હસ્તિનાપુરની રાણી બની. પરંતુ પત્નીઓ સાથે નિકટતાનો પ્રયાસ કરતાંજ નાશ પામવાનો શ્રાપ ધરાવતો પાંડુ, કુંતી અને માદ્રી સાથે વનમાં ગયો. કિન્દમા ઋષિના શ્રાપને કારણે પશ્ચાતાપથી પીડાતા પાંડુ કેટલાક ઋષિમુનિઓને મળ્યા, અને તેમને સ્વર્ગ અને મોક્ષનો માર્ગ પૂછ્યો. તેઓએ કહ્યું, બાળકો વિના, કોઈ ક્યારેય સ્વર્ગની ઇચ્છા રાખી શકતું નથી. માટે પાંડુએ કુંતીને નિઃસંતાન મૃત્યુથી સ્વર્ગ મળશે નહીં એવી નિરાશા વ્યક્ત કરી, ત્યારે તેણે ઋષિ દુર્વાસાના વરદાનનો ઉલ્લેખ કર્યો, તેણે ખુશીથી સંમતિ આપી. આમ પતિની વિનંતીના ઉત્તરમાં કુંતીએ દુર્વાસા ઋષિના વરદાનનો ઉપયોગ કરીને ન્યાયના દેવતા ધર્મરાજ દ્વારા યુધિષ્ઠિરને; પવનના દેવતા વાયુ દ્વારા ભીમને; અને સ્વર્ગના રાજા ઇન્દ્ર દ્વારા અર્જુનને એમ ત્રણ પુત્રોને જન્મ આપ્યો. તેણે માદ્રી માટે અશ્વિનીકુમારનું આહવાન કર્યું માદ્રીએ બે જોડિયા પુત્રો નકુલ અને સહદેવને જન્મ આપ્યો. પાંડુના અવસાન અને માદ્રી સતી થયાં બાદ, કુંતીએ તેના સાવકા પુત્રોની જવાબદારી સ્વીકારી લીધી, અને તેના બાળકો સાથે કુરુની રાજધાની હસ્તિનાપુરમાં સ્થળાંતર કર્યું હતું. ધૃતરાષ્ટ્રના પુત્રોને પાંડવો પસંદ નહોતા. બાળપણમાં દુર્યોધને વિષ આપીને ભીમને મારવાનો પ્રયત્ન કર્યો પણ તે બચી ગયો. કુંતીને આનાથી દુઃખ થયું હતું, પરંતુ વિદુર દ્વારા તેને દિલાસો આપવામાં આવ્યો હતો. પાછળથી કુરુ રાજકુમારોને દ્રોણના હાથ નીચે તાલીમ માટે મોકલવામાં આવ્યા હતા.
દુર્યોધનને હસ્તિનાપુરની રાજગાદી જોઈતી હતી એટલે એણે મામા શકુનિ સાથે મળીને ધૃતમાં હરાવી, પાંડવોને વનવાસ મોકલ્યા!: જ્યાં લાક્ષાગૃહમાં બનેલી જોખમી ઘટનાઓમાંથી બચ્યાં પછી કુંતીએ પાંડવોનાં ગુપ્તવાસ દરમિયાન ભીમને રાક્ષસી હિડિમ્બી સાથે લગ્ન કરવાની સૂચના આપી. કુંતીના પક્ષે થયેલી ગેરસમજને કારણે પાંચાલની રાજકુમારી દ્રૌપદીનો પાંચ પાંડવો સાથે બહુવૈવાહિક સંબંધ રચાયો. ઇન્દ્રપ્રસ્થની સ્થાપના પછી, કુંતી હસ્તિનાપુરમાં જ રહેતી હતી, અને પોતાના દિયર વિદુર સાથે સુમેળભર્યો સંબંધ ધરાવતી હતી. કુંતીને કદાચ યુધિષ્ઠિર ને જ ગાદી મળે એવી કોઈ એષણા નહોતી! અને પાંડવો ને પણ નહોતી! એતો હસ્તિનાપુર આવ્યાં જ નહોતાં પિતામહ ભીષ્મ વન માંથી શોધી આવ્યાં, પછી પણ ઈન્દ્રપ્રસ્થથી ખુશ હતા, પરંતુ દુર્યોધન ને તો એમની ખુશી જ મંજૂર નહોતી! એટલે યુદ્ધ અનિવાર્ય બન્યું.
કુરુક્ષેત્રનું યુદ્ધ નજીક આવતાં જ, કુંતી કર્ણને મળી અને પોતાના બધા પુત્રોને જીવતા રાખવાની ઈચ્છા સાથે, કર્ણને દુર્યોધનનો પક્ષ છોડીને પાંડવો સાથે જોડાવા કહ્યું. કર્ણએ આ પ્રસ્તાવને નકારી કાઢ્યો, કારણ કે તે તેના મિત્ર દુર્યોધન સાથે દગો કરી શકે તેમ નહોતો. જો કે, તેણે કુંતીને વચન આપ્યું હતું કે તે અર્જુન સિવાય તેના કોઈ પણ ભાઈનો વધ કરશે નહીં, આમ મિત્ર ધર્મ અને પુત્ર ધર્મ બંનેનું પાલન કરશે. તેણે એવું વચન પણ આપ્યું હતું કે યુદ્ધના અંતે તેના પાંચ પુત્રો જીવિત રહેશે, પાંચમો પુત્ર અર્જુન અથવા કર્ણ પોતે હશે.પોતાના સંતાનોનો સાથ આપવા છતાં કુંતી, ગાંધારી સાથે કૌરવ છાવણીમાં જ રહી હતી. કર્ણના મૃત્યુ બાદ કુંતીએ કર્ણના જન્મનું રહસ્ય પાંડવો સમક્ષ જાહેર કર્યું. દુઃખથી ગ્રસ્ત યુધિષ્ઠિરે સ્ત્રી જાતિને શાપ આપ્યો કે તેઓ હવે કોઈ રહસ્ય પોતાના મનમાં રાખવા અસમર્થ રહેશે.
હિન્દુ પરંપરામાં, કુંતીને પંચકન્યા એટલે કે પાંચ કુમારિકા ઓમાંની એક તરીકે પૂજનીય ગણવામાં આવે છે, જે સ્ત્રી પવિત્રતાના આદર્શોને મૂર્તિમંત કરે છે. માનવામાં આવે છે કે, તેના નામમાં શુદ્ધિકરણના ગુણો છે, જે પાઠ કરવામાં આવે ત્યારે પાપને દૂર કરવામાં સક્ષમ છે. કુંતીને પરિપક્વતા, અગમચેતી અને કર્તવ્યનિષ્ઠ સ્ત્રીત્વના પ્રતીક તરીકે બિરદાવવામાં આવે છે
કુંતીએ માદ્રીના પુત્રો ખાસ કરીને સૌથી નાના સહદેવની ખાસ કાળજી લેતી હતી. માદ્રીએ કુંતીને કહેતી કે તમે ધન્ય છો. તમારા જેવું બીજું કોઈ નથી, તમે મારો પ્રકાશ છો, મારા માર્ગદર્શક છો, આદરને લાયક છો, દરજ્જામાં ઉચ્ચ છો, સદ્ગુણોમાં શુદ્ધ છો. એથી પણ વધુ કુંતી ભગવાન શ્રીકૃષ્ણ પાસે વિપત્તિ માંગે છે, અને કહે છે કે, જેથી કાયમ જીભે તમારું સ્મરણ રહે! કારણકે સુખમાં માનવી બીજું ભૂલી જાય છે, જ્યારે વિપત્તિની પીડા એ તમારી સાથે અમને જોડી રાખ્યાં! બસ એટલે આ રીતે અંત સુધી તમારું સ્મરણ કરવું છે. આપણે સૌ કુંતી નાં ચરિત્ર માંથી ઉત્તમ બોધ પ્રાપ્ત કરી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

