ફાલ્ગુની વસાવડા
આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. મનુષ્ય મોહ, માયા, મમતાનાં, આવરણોનું કરોળિયાની જેમ પોતાની આસપાસ એવું જાળું રચે છે, કે ક્યારે એ ખુદ એમાં કેદ થઈ ગયો, એ એને જ ખબર રહેતી નથી! અને પોતાનાં જાળાં એટલે કે ઘર પરિવારને તોડ્યાં વગર બહાર નીકળી શકાતું નથી! અને મમતા એને તોડવા દેતી નથી, સંસારીનું આ જ ચક્ર છે! પણ જાગ્યાં ત્યારથી સવાર! એમ ઘણીવાર મોડેમોડે સાહસ થાય છે,! અને કંઈ નહીં તો છેવટે સંસારિક સંબંધોની અપેક્ષા ઉપેક્ષાની વૃત્તિ માંથી બહાર આવીને જીવન દર્શન કરવાની તક મળે છે. વ્યવહારમાં પણ ખુદનાં આગ્રહ છૂટવા જરુરી હતાં, એવું સમજાય છે! એક એક તંતુ જે મમતાની લાળથી ગૂથ્યો હતો, એને તોડતાં દિલ દુઃખે પણ છે, પરંતુ હવે જો આત્મોદ્ધાર વિશે નહીં વિચારું! તો ક્યારે વિચારિશ? જો આવો એક વિચાર આવે તો લગભગ જન્મ સફળ સમજો! કારણકે સંસારીની મનોવ્યથા ભગવાન પણ સમજે જ છે, અને એટલે એ હિમાલયમાં જઈ ઠંડી, તાપ, વરસાદ વગેરે સહીને તપ કરે એવી આશા તો રાખે જ નહીં! ઉલટું ગીતામાં અમુક નિયમો જો સહજ બને તો એને નિત્ય સંન્યાસીનું પદ પણ પ્રાપ્ત થાય છે. પરંતુ ઘણીવાર બધું જ જ્ઞાન હોવાં છતાં આ કેદમાંથી નીકળી ન શકવાને કારણે જન્મ નિષ્ફળ જતો દેખાય! અથવા તો પોતાની ગતિના પરિણામ વિશે શંકા કરી વધુ નિરાશામાં જે માર્ગ ખરેખર સાચો હતો, એને અધવચ્ચે છોડી દે છે.આપણે ગયાં મંગળવારે અયતિઃ શ્રદ્ધાયોપેતો એ શબ્દનો અર્થ કરી અર્જુને જે સંશય કર્યો એની વિશે વાત કરી, પછીના બે શ્લોકો પણ એ જ ભાવ નાં છે! અને 40 માં શ્લોકમાં ભગવાન અર્જુનને જવાબ આપે છે એ વિશે ચિંતન કરીશું.
પાર્થ નૈવેહ નામુત્ર વિનાશસ્તસ્ય વિદ્યતે ।
ન હિ કલ્યાણકૃત્કશ્ચિદ્દુર્ગતિં તાત ગચ્છતિ ॥ ૪૦
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે:
“હે પાર્થ (અર્જુન)! આવા સાધકનો ન તો આલોકમાં અને ન પરલોકમાં નાશ થાય છે. હે પ્રિય પુત્ર! જે કોઈ શુભ અને કલ્યાણકારી કર્મ કરે છે, તે ક્યારેય દુર્ગતિને પામતો નથી.
આપણે આ શ્લોકની ત્રણ શબ્દ સંધિ પરથી એનાં સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીરનાં અર્થ સુધી પહોંચીએ.
**નૈવેહ નામુત્ર:: ન + એવ + ઇહ, અહીં બિલકુલ નથી, ન + અમુત્ર પરલોકમાં પણ નહીં! ભગવાન અર્જુનને જવાબ આપતાં કહે છે કે જે જીવે ભગવત્ પ્રાપ્તિ માટે જે કંઈ યત્ન કર્યા હોય એની આ લોક કે પરલોકમાં દુર્ગતિ નથી. પરંતુ આલોક અને પરલોક! એને કેમ સમજીશું?; સ્થૂળ રુપે આલોક એટલે તો આપણે જ્યાં છીએ એ મૃત્યુલોક, ભારતીય સનાતન સંસ્કૃતિ મુજબ જે કોઈ સત્કર્મ કરે એને સ્વર્ગ પ્રાપ્ત થાય, આ સ્વર્ગ માટે પરલોક શબ્દ પ્રયોજાય છે. એટલે એમ કહો કે પરલોક માટેની એક ધારણા છે કે, ત્યાં આવું આવું હોય!: એક તો અશરીરી અવસ્થા એટલે આત્મા ઉડીને પહોંચી શકે! અને સૌથી વધુ જીવનભર જે ભોગ સુખ માટે સંઘર્ષ કર્યો એ અનલિમિટેડ! દુર્લભ બધી જ વસ્તુઓ સુલભ, કલ્પના માત્રથી રોમાંચ થાય! સુક્ષ્મ રીતે રાગ એટલે પ્રેમ અને અનુરાગ એટલે પરમ પ્રેમ! અને તત્વતઃ આ બે ભાવ જ આલોક અને પરલોક છે! જ્યાં સુધી જીવ સ્વયં કે પરિવારનાં દાયરામાં રહીને પ્રેમ કરે એ આલોક અને પરિવારનું વર્તુળ વધારતો વધારતો સમસ્ત જડ ચેતન સૃષ્ટિ સુધી એની સંવેદના વહે એ ઉત્તમ ભાવ એટલે જ પરલોક.
**કલ્યાણ કૃતઃ: શુભનું આચરણ! ભક્તિની પરાકાષ્ઠાએ જીવ અને શિવનું મિલન થાય છે, એવી એક માન્યતા આપણે ત્યાં છે! પરંતુ જીવ અને શિવની મૂળ માનસિકતામાં, જીવ છે એ સતત લાભને શોધે છે, જ્યારે શિવ શુભમાં વિ વિચરે છે. જીવ સ્વાર્થ આચરે છે, જ્યારે શિવ ભોળે ભાવે પરમાર્થ! અને દ્રષ્ટિમાં સતત શુભ કે પરમાર્થ એટલે જ કલ્યાણ!
** ન હીં દુર્ગતિ્મ તાત ગચ્છતિ, તાત એ અર્જુન ને સ્નેહ ભર્યું સંબોધન કરી કહે છે કે, કલ્યાણ કરનાર ક્યારેય દુર્ગતિને પામતો નથી. ગતિ, દુર્ગતિ અને સદગતિ એને સમજવું પડે! અહીં સ્થૂળ શરીરની ગતિની વાત નથી. સામાન્ય ગતિ એટલે બાળક માંથી વૃદ્ધિ થતાં થતાં અહીં સુધી પહોંચ્યા એ રીતે ગતિ થઈ! ઉંમર વધવા છતાં વાણી વર્તન કે વિચારોથી અન્ય ને પરેશાન કેમ કરવાં પ્રતાડિત કરવા એ જ કર્યું તો સ્વાભાવિક સૌ એને તિરસ્કૃત કરે એટલે અહીં આલોક માંજ એની દુર્ગતિ થઈ! એથી ઉલટું વાણી વર્તન અને વિચારથી સૌને મદદ કરી કે એને શુભકામના વાંછીને પ્રિય થયાં તો અહીં જ સદગતિ!
સાવ સીધાસાદા શબ્દોમાં કહીએ તો જો કોઈ વ્યક્તિ યોગ, ભક્તિ અથવા આધ્યાત્મિક માર્ગ પર ચાલે અને પૂર્ણ સિદ્ધિ પહેલાં જ સંશય વશ કે પરિસ્થિતિ વશ તેની સાધના અધૂરી રહી જાય, તો પણ તેની મહેનત વ્યર્થ જતી નથી. તેને તેના સારા પ્રયત્નોનું ફળ અવશ્ય મળે છે.
ઈશ્વરની તરફ ભરેલું એક પણ પગલું વ્યર્થ જતું નથી. સાધનામાં થયેલાં પ્રયત્નો આત્માનાં સંસ્કાર બનીને રહે છે. જો આ જન્મમાં પૂર્ણતા ન મળે, તો પણ તે સંસ્કારો આગળની યાત્રામાં મદદરૂપ બને છે.ભગવાનનો નિયમ છે કે સાચાં હૃદયથી કરેલું કલ્યાણકારી કાર્ય ક્યારેય નષ્ટ થતું નથી.આ શ્લોક આપણને નિરાશા છોડીને સતત સાધના, ભક્તિ અને સદ્કર્મમાં આગળ વધવા પ્રેરણા આપે છે. ભગવાન ખાતરી આપે છે કે આધ્યાત્મિક માર્ગ પર ચાલનાર વ્યક્તિની ક્યારેય હાનિ થતી નથી. કલ્યાણના માર્ગે ચાલનારને અંતે કલ્યાણ જ મળે છે.
પરંતુ મનુષ્ય છે કે, જે વસ્તુઓ અને સંબંધો અહીં જ છોડીને જવાનાં છે, એની પાછળ જ જીવન ખર્ચી નાખે છે, અને આવાં જન્મોજન્મ સાથે ચાલનારા સંસ્કાર વિશે વિચારતો નથી! બેન્કમાં ગમે તેટલા રુપિયા હોય એ અહીં જ રહેશે, પણ જો એ રુપિયા કોઈ અન્ય માટે સ્વાર્થ વગર વાપર્યા હશે, તો આવતો જન્મ એટલાં રુપિયા આસાનીથી મળી જાય! એટલે કે જે રીતે વાપર્યા હોય એમ સામાન્ય થી ધનવાનને ઘેર જન્મ થાય! અને કળિયુગી કાળ કામ કરી ગયો, આપવાની બદલે છીનવી લીધું તો આવતો જન્મ એ લેણું ચૂકવવામાં જ જશે! અને ઉપરથી ગરીબી. પરંતુ અહીં માત્ર ધનની વાત નથી! કલ્યાણકારીનો સ્વભાવ જન્મથી જ ઉદાર, માયાળુ, પ્રેમાળ, દયાળું કે સેવાભાવી હોય. ટૂંકમાં આલોક પરલોક નો કારણ શરીરનો અર્થ, સ્વાર્થથી ભરેલા કળિયુગી કાળની પ્રધાનતા એટલે આલોક, અને પરમાર્થ માટે જીવન વારી જવાનાં શુભ સંકલ્પથી ભરેલ મહાકાળની પ્રધાનતા એટલે પરલોક! એમ પણ જીવની ગતિ અને સદગતિ થઈ શકે! આપણે સૌ આ રીતે આલોક પરલોકનું મુલ્યાંકન કરીને મૃત્યુ પછીનું ઉત્તમ જીવન માણી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે, તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

