કામ ધંધો ન ચાલતા આર્થિક તંગીથી કંટાળી જીવન ટૂંકાવ્યું, પરિવારમાં શોક
Harpalsinh Jadeja,Rajkot,તા.19
શહેરના કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં ધંધો બરાબર ન ચાલતા અને આર્થિક ભીંસથી કંટાળીને ૫૫ વર્ષીય પ્રોઢે પોતાના ઘરે એસિડ પી આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ, કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલી સીતારામ સોસાયટી શેરી નં. ૧ માં રહેતા લલિતભાઈ હરિભાઈ પીપળીયા (ઉં.વ. ૫૫) ગત ૧૧ જૂનના રોજ બપોરના આશરે ૩:૦૦ વાગ્યે પોતાના ઘરે હતા, ત્યારે તેમણે એસિડ ગટગટાવી લીધું હતું. એસિડ પીધા બાદ તેમની તબિયત લથડતા લલિતભાઈને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન લલિતભાઈનું મોત નીપજતા હોસ્પિટલના બિછાને જ તેમણે દમ તોડી દીધો હતો. પરિવારજનોના જણાવ્યા અનુસાર, મૃતક લલિતભાઈ ફર્નિચરનું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ફર્નિચરનું કામકાજ બરાબર ચાલતું ન હોવાથી તેઓ ભારે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા. આ આર્થિક ભીંસના કારણે તેઓ સતત માનસિક તણાવમાં રહેતા હતા અને આખરે કંટાળીને તેમણે આ આત્યંતિક પગલું ભરી લીધું હતું.બનાવને પગલે સ્થાનિક પોલીસે હોસ્પિટલ પહોંચી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોઢે કારખાનામાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં શોક છવાયો
શહેરના આજીડેમ સર્વિસ રોડ સામે, રિદ્ધી-સિદ્ધીના નાલા પાસે ૫૨ વર્ષીય પ્રૌઢે ચામડીની બીમારીથી કંટાળીને પોતાના જ કારખાનામાં ગળાફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે જેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ, ગોપાલનગરમાં રહેતા હિતેષભાઈ અમરશીભાઈ પરમાર (ઉ.વ. ૫૨) આજી ડેમ સર્વિસ રોડ સામે, રિદ્ધી-સિદ્ધીના નાલા પાસે ‘કિંજલ ઇન્ડસ્ટ્રીઝ’ નામે પોતાના મોટા પુત્ર સાથે કારખાનું ચલાવતા હતા. છેલ્લા ૩-૪ મહિનાથી તેઓ ચામડીની ગંભીર બીમારીથી પીડાતા હતા અને તેના કારણે ભારે માનસિક તણાવમાં રહેતા હતા. દરરોજ તેઓ પોતાના મોટા પુત્ર સાથે કારખાને જતા હતા, પરંતુ ગઈકાલે સવારે તેઓ “હું કારખાને વહેલો જાઉં છું” તેમ કહીને નિત્યક્રમ કરતાં વહેલા ઘરેથી નીકળી ગયા હતા. કારખાને પહોંચી તેમણે ત્યાં પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. થોડી વાર પછી જ્યારે તેમનો મોટો પુત્ર દરરોજ મુજબ કારખાને પહોંચ્યો, ત્યારે પિતાને પંખા સાથે લટકતી હાલતમાં જોતા તાત્કાલિક ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરી હતી, પરંતુ ઘટનાસ્થળે પહોંચેલા તબીબોએ હિતેષભાઈને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં જ ભક્તિનગર પોલીસ મથકના એએસઆઇ હરસુરભાઈ ડાંગર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં હિતેષભાઈએ ચામડીની બીમારીથી કંટાળીને આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. મૃતકને સંતાનમાં બે પુત્રો છે. આ બનાવથી પરમાર પરિવારમાં ભારે કલ્પાંત સર્જાયો છે

