આર્થિક ફ્રોડના ગુનામાં આરોપીની હાજરી અને કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી: કોર્ટે
Harpalsinh Jadeja,Rajkot,તા.19
તાલુકા હેલ્થ કચેરીના બોગસ દસ્તાવેજો અને બોગસ બિલો બનાવી સરકારના રૂ. ૧૬,૫૯,૫૦૫ ની ઉચાપત કરવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા કરાર આધારિત આઉટસોર્સિંગ જુનિયર ક્લાર્ક પરેશ ચમનભાઈ ચૌહાણની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. સરકારી એજન્સી અને જાહેર જનતાના નાણાં સાથે થયેલા આ ગંભીર ફ્રોડમાં આરોપીની હાજરી અને કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી હોવાનું નોંધી કોર્ટે આ ચુકાદો આપ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ, તાલુકા હેલ્થ કચેરીમાં કરાર આધારિત જુનિયર ક્લાર્ક પરેશ ચૌહાણએ વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૨ દરમિયાન ફરજ દરમિયાન કચેરીના ચાલુ અને નિવૃત્ત કર્મચારીઓના નામે બેંક ખાતામાં રૂપિયા જમા કરાવી, ત્યારબાદ બ્લોક કક્ષાના ખાતામાંથી ચેક દ્વારા નાણાં ઉપાડી પોતાના એસબીઆઈ ખાતામાં ટ્રાન્સફર કર્યાનુ ઓડિટ દરમિયાન રૂ. ૧.૫૦ લાખની ઉચાપત ખુલ્યું હતું. બાદ કરાયેલી તપાસમાં આરોપીએ જિલ્લા પંચાયત કચેરી ખાતે મંજૂરી માટે મોકલાતા બોગસ બિલોની રકમમાં મોટા પાયે સુધારા અને ચેડાં કરીને કુલ રૂ. ૧૬.૫૯ લાખની ઉચાપત કર્યા નુ ખુલતા તાલુકા હેલ્થ ઓફિસર જયેશભાઈ પોપટે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ધરપકડથી બચવા પરેશ ચૌહાણએ આગોતરા જામીન અરજી કરી હતી. બાદ અરજી સુનાવણી પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકારી વકીલ પરાગ એન. શાહએ કોર્ટ સમક્ષ પોલીસ પેપર્સ અને સોગંદનામું રજૂ કરી દલીલ કરી હતી કે, આરોપીના પર્સનલ એકાઉન્ટમાં સરકારી નાણાં રિફ્લેક્ટ થાય છે. સરકારી બિલોમાં ચેડાં કોણે કર્યા તેની ઊંડી તપાસ માટે આરોપીનું કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન અત્યંત જરૂરી છે. ગુનામાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે આર્થિક કૌભાંડને હળવાશથી લઈ શકાય નહીં. સેશન્સ કોર્ટે સરકારી વકીલની દલીલો, ગુનાની ગંભીરતા ધ્યાને લઇ આરોપી પરેશ ચૌહાણની આગોતરા જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે.

