વિનોદભાઇ માછી નિરંકારી
ભગવાન આગળના શ્ર્લોક(૪/૧૯-૨૦)માં કર્મયોગથી સિદ્ધ મહાપુરૂષની કર્મો સાથેની નિર્લિપ્તતાનું વર્ણન કરીને હવે શ્ર્લોક(૪/૨૨)માં પ્રવૃત્તિપરાયણ કર્મયોગના સાધકની કર્મો સાથેની નિર્લિપ્તતાનું વર્ણન કરતાં કહે છે કે..
યદૃચ્છાલાભસંતુષ્ટો દ્વન્દ્વાતીતો વિમત્સરઃ
સમઃ સિદ્ધાવસિદ્ધૌ ચ કૃત્વાપિ ન નિબધ્યતે
(યદૃચ્છા-ઇચ્છા વિના આપમેળે, લાભ-મળેલા પદાર્થમાં જે, સંતુષ્ટઃ-સદાય સંતુષ્ટ રહે છે અને, વિમત્સરઃ-અદેખાઇનો જેનામાં સર્વ રીતે અભાવ થઇ ગયો છે, દ્વન્દ્વાતીતઃ-દ્વંદ્વોથી રહિત તથા, સિદ્ધૌ-સિદ્ધિ, ચ-તથા, અસિદ્ધૌ-અસિદ્ધિમાં, સમઃ-સમ છે તે, કૃત્વા-કર્મ કરતો હોવા છતાં, અપિ-પણ, ન-કર્મોથી નથી, નિબધ્યતે-બંધાતો.)
ઇચ્છા વિના આપમેળે મળેલા પદાર્થમાં જે સદાય સંતુષ્ટ રહે છે અને અદેખાઇનો જેનામાં સર્વ રીતે અભાવ થઇ ગયો છે,દ્વંદ્વોથી રહિત તથા સિદ્ધિ તથા અસિદ્ધિમાં સમ છે તે કર્મ કરતો હોવા છતાં પણ કર્મોથી નથી બંધાતો.
કર્મયોગી નિષ્કામ ભાવપૂર્વક સાંગોપાંગ રીતે તમામ કર્તવ્ય કર્મો કરે છે. ફળપ્રાપ્તિનો ઉદ્દેશ્ય ન રાખીને કર્મો કરતાં ફળના રૂપમાં તેને અનુકૂળતા કે પ્રતિકૂળતા, લાભ કે હાની, માન કે અપમાન, સ્તુતિ કે નિંદા વગેરે જે કંઇ મળે છે તેનાથી તેના અંતઃકરણમાં કોઇ અસંતોષ પેદા થતો નથી. જો તે વેપાર કરતો હોય તો તેને વેપારમાં લાભ થાય કે હાની તેના અંતઃકરણ ઉપર તેની કોઇ અસર પડતી નથી. તે દરેક પરિસ્થિતિમાં સમાનરૂપે સંતુષ્ટ રહે છે કેમકે તેના મનમાં ફળની ઇચ્છા હોતી નથી. તાત્પર્ય એ છે કે વેપારમાં તેને લાભ-હાનીનું જ્ઞાન તો હોય છે તથા તે તેના અનુસાર યથોચિત ચેષ્ટા પણ કરે છે પરંતુ પરીણામથી તે સુખી-દુઃખી થતો નથી. જો અંતઃકરણ ઉપર અનુકૂળતા-પ્રતિકૂળતાની થોડી અસર પડી પણ જાય તો પણ તેને ગભરાવવું જોઇએ નહી કેમકે અંતઃકરણમાં તે પ્રભાવ સ્થાયી રહેતો નથી, જલ્દી દૂર થઇ જાય છે.
ગુરૂદેવ હરદેવ નિરંકારી બાબા આ વાત સમજાવતાં કહે છે કે ‘જૈસી ભી હો ૫રિસ્થિતિ એકરસ રહે મનઃસ્થિતિ’ ગમે તેવી ૫રિસ્થિતિ નિર્માણ થાય છતાં જેના મનની સ્થિતિ એકરસ રહે તે ભક્ત. અજ્ઞાની મનુષ્યને સુખની પ્રાપ્તિમાં હર્ષ અને દુઃખમાં દ્વેષ થાય છે એટલે કે તેનો શોક કરે છે ૫ણ જ્ઞાની ભક્તનો સુખ-દુઃખમાં સમભાવ હોવાથી કોઇ૫ણ અવસ્થામાં તેના અંતઃકરણમાં હર્ષ, શોક વગેરે વિકારો આવતા નથી.જે સમયે સહજ રીતે જે પ્રાપ્ત થઇ જાય તેમાં જ સંતુષ્ટ હોય તે સારો સાધક થઇ શકે છે. સંતવાણીમાં કહ્યું છે..
‘‘સહજ મિલા સો દૂધ બરાબર, માંગ લીયા સો પાણી, ખિંચ લીયા સો રક્ત બરાબર, ગોરખ બોલે વાણી..’’
‘વિમત્સરઃ’ એટલે અદેખાઇનો જેનામાં સર્વ રીતે અભાવ થઇ ગયો છે. મત્સર એટલે ઇર્ષ્યા. પોતાથી ચઢીયાતા માણસની લોકોને ઇર્ષ્યા થતી હોય છે. કર્મયોગી તમામ પ્રાણીઓની સાથે પોતાની એકતા માને છે એટલા માટે તેનો કોઇપણ પ્રાણી સાથે સહેજપણ ઇર્ષ્યાનો ભાવ રહેતો નથી. કર્મયોગીની તમામ ક્રિયાઓ પ્રાણીમાત્રના હિતના માટે જ હોય છે. ઇર્ષ્યાદોષ બહુ જ સુક્ષ્મ છે. બે દુકાનદારો હોય અને પરસ્પરમાં મિત્રતા રાખતા હોય, તેમનામાં એકની દુકાન બીજાની અપેક્ષાએ વધુ સારી ચાલતી હોય તો બીજાનામાં થોડી ઇર્ષ્યા પેદા થઇ જશે કે તેની દુકાન વધુ સારી ચાલે છે અને મારી ઓછી ચાલે છે. આ રીતે ઇર્ષ્યાદોષના કારણે મિત્રથી પણ મિત્રની ઉન્નતિ સહન થતી નથી. જ્યાં પરસ્પર પ્રેમ છે, એકતા છે, મિત્રતા છે ત્યાં પણ ઇર્ષ્યાદોષ આવી જાય છે એટલા માટે સાધકે આ પ્રકારના દોષથી બચવાને માટે વિશેષ સાવધાન રહેવું જોઇએ.
‘દ્વન્દ્વાતીતઃ’ કર્મયોગી લાભ-હાની, માન-અપમાન, સ્તુતિ-નિંદા, અનુકૂળતા-પ્રતિકૂળતા, સુખ-દુઃખ વગેરે દ્રન્દ્રોથી અતિત હોય છે એટલા માટે તેના અંતઃકરણમાં તે દ્રન્દ્રોથી થવાવાળા રાગ-દ્રેષ, હર્ષ-શોક વગેરે વિકારો હોતા નથી. કર્મયોગી બધા પ્રકારના દ્રન્દ્રોથી પર થયેલો હોય છે એટલા માટે તે સુખપૂર્વક સંસાર-બંધનથી મુક્ત થઇ જાય છે.
‘સમઃ સિદ્ધાવસિદ્ધૌ ચ’ કોઇપણ કર્તવ્યકર્મનું નિર્વિઘ્નરૂપે પુરૂં થઇ જવું એ સિદ્ધિ છે અને કોઇ પ્રકારના વિઘ્ન કે બાધાના કારણે તેનું પુરૂં ના થવું એ અસિદ્ધિ છે. કર્મનું ફળ મળી જવું એ સિદ્ધિ છે અને ન મળવું એ અસિદ્ધિ છે. સિદ્ધિ અને અસિદ્ધિમાં રાગ-દ્રેષ, હર્ષ-શોક વગેરે વિકારોનું ન હોવું એને જ સિદ્ધિ-અસિદ્ધિમાં સમાન રહેવું કહેવાય. પોતાનું કંઇપણ નથી, પોતાને માટે કંઇપણ ના જોઇએ અને પોતાને માટે કંઇપણ નથી કરવાનું-આ ત્રણે વાતો બરાબર અનુભવમાં આવી જાય ત્યારે સિદ્ધિ અને અસિદ્ધિમાં પૂર્ણ રીતે સમતા આવશે.જે સફળતા અને નિષ્ફળતામાં સમભાવ રાખી શકે, સફળતામાં છકી ના જાય અને નિષ્ફળતામાં હતાશ ના થાય, બંન્નેને પચાવી શકે-આવો સાધક કર્મો કરતો હોવા છતાં પણ બંધનમાં બંધાતો નથી.
‘કૃત્વાપિ ન નિબધ્યતે’ કર્મયોગી કર્મો કરતો રહીને પણ બંધાતો નથી પછી કર્મો ન કરતો હોય ત્યારે તો બંધાવાનો પ્રશ્ન જ પેદા થતો નથી, તે બંન્ને અવસ્થાઓમાં નિર્લિપ્ત રહે છે. જેવી રીતે માત્ર શરીર-નિર્વાહ માટે કર્મો કરવાવાળો કર્મયોગી કર્મોથી બંધાતો નથી તેવી જ રીતે શાસ્ત્રવિહિત તમામ કર્મોને કરવાવાળો કર્મયોગી પણ કર્મોથી બંધાતો નથી.
વાસ્તવમાં જોવામાં આવે તો કર્મોયોગમાં કર્મ કરવું, અધિક કરવું, ઓછું કરવું અથવા ન કરવું એ બંધન અથવા મુક્તિનું કારણ નથી, તેમની સાથે જે લિપ્તતા-આસક્તિ છે તે જ બંધનનું કારણ છે અને જે નિર્લિપ્તતા છે તે જ મુક્તિનું કારણ છે. જેવી રીતે નાટકમાં એક વ્યક્તિ લક્ષ્મણનું અને બીજી વ્યક્તિ મેઘનાદનું પાત્ર ભજવે છે અને બંન્ને વ્યક્તિઓ પોતપોતાના પાત્રને ઠીક-ઠીક ભજવતા હોવા છતાં તેનાથી નિર્લિપ્ત રહે છે એટલે કે પોતાને વાસ્તવમાં લક્ષ્મણ કે મેઘનાદ માનતા નથી તેવી જ રીતે કર્મયોગી પોતાના વર્ણ, આશ્રમ વગેરે અનુસાર કર્તવ્યોનું પાલન કરતો હોવા છતાં પણ તેમનાથી નિર્લિપ્ત રહે છે એટલે કે તેમની સાથે પોતાનો કોઇ જાતનો સબંધ માનતો નથી, તેમનો સબંધ પ્રતિક્ષણ પરીવર્તનશીલ પ્રકૃતિ સાથે નહી પરંતુ નિત્ય-નિરંતર રહેવાવાળા સ્વરૂપ સાથે રહે છે એટલા માટે તેમની સ્થિતિ સ્વાભાવિક જ સમતામાં રહે છે. સમતામાં સ્થિતિ રહેવાથી તે કર્મો કરવા છતાં પણ તેમનાથી બંધાતો નથી. પરીવર્તન પોતાના સ્વરૂપમાં નહી પરંતુ પરિસ્થિતિઓમાં થાય છે એટલા માટે પરિસ્થિતિઓના બદલાવા છતાં પણ સ્વરૂપે આપણે સમાન જ રહીએ છીએ. ભૂલ એ થાય છે કે આપણે પરિસ્થિતિઓની તરફ તો જોઇએ છીએ પરંતુ સ્વરૂપની તરફ જોતા નથી. પોતાના સમ સ્વરૂપની તરફ ન જોવાના કારણે જ આપણે આવવા-જવાવાળી પરિસ્થિતિઓ સાથે મળીને સુખી-દુઃખી થઇએ છીએ.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

