(મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૨૨
અમરેલી જિલ્લાના નાગરિકો અને મુસાફરોની સુવિધા માટે એસ.ટી. બસ સેવાને લગતા વિવિધ મહત્વના અને લાંબા સમયથી પડતર પ્રશ્નોના તાકીદે નિરાકરણ માટે અમરેલી જિલ્લા વિકાસ સમિતિના પ્રમુખ રાજેશ ગાંધી દ્વારા અમરેલી એસ.ટી. તંત્રના વિભાગીય નિયામકની રૂબરૂ મુલાકાત લઇ અને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં મુસાફરોના હિતમાં મહત્વના મુદ્દાઓ રજુ કરવામાં આવ્યા હતા.
વર્ષોથી બંધ થઈ ગયેલી અમરેલી-મુંબઈ રૂટની બસ સેવા વારંવારની માંગણી છતાં શરૂ કરવામાં આવી નથી.જેને લઈ ખાનગી બસ સંચાલકો મુસાફરોને લૂંટી રહ્યા છે. આથી અમરેલી એસ.ટી. દ્વારા તાત્કાલિક ધોરણે એક અમરેલી-મુંબઈ રૂટની બસ સ્લીપર બસ શરૂ કરવામાં આવે.
અમરેલીથી અંબાજી સુધીની એસ.ટી. બસ નિયમિત ચાલે છે, પરંતુ તે સિટિંગ (બેસવાની) બસ હોવાથી મુસાફરોને આખી રાતની મુસાફરી કરવામાં ભારે મુશ્કેલી અનુભવી પડે છે. આ લાંબા રૂટ પર તાત્કાલિક સ્લીપર બસ ફાળવવામાં આવે.
અમરેલીથી નાથદ્વારા સૌથી લાંબો નાઇટ રૂટ છે જેમાં અમરેલી ડિવિઝનનો સૌથી લાંબો નાઇટ રૂટ હોવા છતાં આ બસ પણ સિટિંગ બસ છે, જેના કારણે મુસાફરોને આખી રાત બસમાં બેસવું પડતું હોય જેથી ભારે હાલાકી ભોગવવી પડે છે. આ રૂટ પર પણ વહેલી તકે સ્લીપર બસ શરૂ કરવી જરૂરી છે.
શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સુવિધા માટે સપ્તાહમાં એક દિવસ સવારે અમરેલીથી કનકાઈ તથા બાણેજ જઈને સાંજે પરત આવી શકે તેવી બસ સેવા શરૂ કરવામાં આવે.
અમરેલીથી સોમનાથ તથા વીરપુર (જલારામ) જવા માટે મુસાફરો સવારે જઈને સાંજે પરત ફરી શકે તેવા અનુકૂળ સમયપત્રક સાથે નવી બસ શરૂ કરવાની ખાસ માંગ કરવામાં આવી છે. જયારે પત્ર દ્વારા તમામ રજુઆત રાજ્યમંત્રી કૌશિક વેકરીયાને પણ મોકલવામાં આવી છે.
બાદમાં અમરેલી જિલ્લા વિકાસ સમિતિએ જણાવ્યું છે કે, વિભાગીય નિયામક પોતાના સ્તરેથી તેમજ નિગમ કક્ષાએ યોગ્ય રજૂઆત કરીને અમરેલી જિલ્લાના નાગરિકોના હિતમાં આ તમામ પ્રશ્નોનું વહેલી તકે સકારાત્મક નિરાકરણ લાવશે તેવી પૂરી આશા છે.

