(મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૨૨
ધારી તાલુકાના છતડીયા ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલા શિક્ષક-શિક્ષિકા વચ્ચેના ચાલતા વિવાદના મામલે આજે મહત્વપૂર્ણ વળાંક આવ્યો હતો. આ વિવાદને પગલે સ્થાનિક વાલીઓએ શાળાને તાળાબંધી કરવાનો નિર્ણય લીધો હતો, જેના કારણે આજે શાળામાં એકપણ વિદ્યાર્થી શિક્ષણ કાર્યમાં જોડાયા ન હતો. જોકે શિક્ષણ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક આગેવાનોની સમજાવટ બાદ વાલીઓએ તાળાબંધીનો નિર્ણય મોકૂફ રાખ્યો હતો.
બે દિવસ અગાઉ શાળાના એક શિક્ષક અને શિક્ષિકા વચ્ચે થયેલી માથાકૂટ બાદ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. ઘટનાને પગલે વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે આજે મોટી સંખ્યામાં વાલીઓ શાળાએ પહોંચ્યા હતા અને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓના વીડિયો વાયરલ કરવા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.
મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અમરેલીથી શિક્ષણ વિભાગના અધિકારીઓ છતડીયા પ્રાથમિક શાળાએ દોડી આવ્યા હતા. ટી.પી.ઈ.ઓ. ભગીરથસિંહ ગોહિલ તેમજ જિલ્લા પંચાયતના સભ્ય સહિતના આગેવાનોએ મધ્યસ્થી બની વાલીઓ સાથે ચર્ચા કરી હતી. લાંબી ચર્ચા અને સમજાવટ બાદ વાલીઓએ તાળાબંધીનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવા સંમતિ દર્શાવી હતી.
શિક્ષક અને શિક્ષિકા વચ્ચેના વિવાદની નિષ્પક્ષ તપાસ માટે જિલ્લા કક્ષાની તપાસ કમિટીની રચના કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. સાથે જ શાળાનું શૈક્ષણિક વાતાવરણ જળવાઈ રહે અને વિદ્યાર્થીઓના અભ્યાસને નુકસાન ન થાય તે માટે શાળાના ચાર શિક્ષકોની બદલી કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.
અધિકારીઓએ શાળાના આચાર્ય સુરેશ આચાર્ય, રેખાબેન મહેતા, ભાનુશંકર સાકળીયા અને જયંતિભાઈ મહેતાની બદલી કરવા અંગે સહમતિ દર્શાવી હતી. ચારેય શિક્ષકોની બદલી અંગે ખાતરી મળતાં વાલીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આવતી કાલથી છતડીયા પ્રાથમિક શાળામાં શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરૂ થશે અને વિદ્યાર્થીઓ નિયમિત રીતે અભ્યાસ માટે શાળાએ હાજર રહેશે. બીજી તરફ સમગ્ર ઘટનાની તપાસ પૂર્ણ થયા બાદ આ ઘટનાના જવાબદારો સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવાયું હતું.

