(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૨
Jamnagar શહેરના સિદ્ધાર્થનગર વિસ્તારમાં પાણીની બોટલ લેવા ગયેલા યુવક પર હુમલો કરી પથ્થર વડે ઇજા પહોંચાડ્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે સીટી-સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ ફરિયાદ મુજબ સિદ્ધાર્થનગર શેરી નં. ૧ વિસ્તારમાં રહેતા તરુણભાઈ પ્રવિણભાઈ માંડલિયા (ઉ.વ. ૧૮) પોતાના રહેણાંક મકાન નજીક આવેલી દુકાને પાણીની બોટલ લેવા ગયા હતા. તે દરમિયાન દુકાને હાજર જગદીશભાઈ બીલાભાઈ બાવરી સાથે તેમની બોલાચાલી થઈ હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ યુવકને ‘‘મારી સામે ડોળા કેમ કાઢે છે?‘‘ કહી ઉશ્કેરાટભરી ભાષામાં વાત શરૂ કરી હતી. ત્યારબાદ બંને વચ્ચે ઝપાઝપી અને જઘડો થયો હતો. આરોપીએ ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ દરમિયાન આરોપીએ રોડ પર પડેલો પથ્થર ઉઠાવી ફરિયાદીના માથાના પાછળના ભાગે માર્યો હતો. હુમલાના કારણે યુવકને ઇજા પહોંચતા લોહી નીકળવા લાગ્યું હતું અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તબીબી તપાસમાં માથાના પાછળના ભાગે ઇજા તેમજ સોજો હોવાનું નોંધાયું હતું.બનાવ અંગે સીટી-સી ડિવિઝન પોલીસે આરોપી જગદીશભાઈ બીલાભાઈ બાવરી સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

