યુવક સિંહને જોઈ નીચે પડતાં થઈ હતી ઇજાઃ વન વિભાગે કરી સ્પષ્ટતા
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૨૨
Amreli જાફરાબાદ તાલુકાના બાબરકોટ રોડ પર ગઈકાલે એક યુવક પર સિંહે હુમલો કર્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે સમગ્ર ઘટનાની તપાસ બાદ વન વિભાગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે યુવકને થયેલી ઇજા સિંહના હુમલાથી નહીં પરંતુ બાઈક અકસ્માતના કારણે થઈ હતી.
મળતી માહિતી મુજબ વિશાલ બારેયા નામનો યુવક બાઈક લઈને બાબરકોટ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક એક સિંહ રોડ પર સામે આવી જતાં યુવકે બાઈકને બ્રેક મારી હતી. બ્રેક મારતાં જ બાઈક અસંતુલિત થઈને તે નીચે પડી ગઈ હતી. આ બનાવ દરમિયાન બાઈકના સ્પેરપાટ્ર્સ લાગવાથી યુવકને ઇજા પહોંચી હતી.
આ મામલે યુવકના પરિવારજન વિનુભાઈ બારેયાએ પણ સ્પષ્ટ જણાવ્યું હતું કે વિશાલ બારેયાને સિંહ દ્વારા કોઈ પ્રકારની ઇજા પહોંચાડવામાં આવી નહોતી. તેઓને અકસ્માતમાં બાઈક પડતાં તેને ઇજા થઈ હતી. જેના કારણે સિંહના હુમલાની ચર્ચા તથ્ય વિહોણી હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર ઘટનાને લઈને જાફરાબાદ વન વિભાગના એ.સી.એફ. દ્વારા પણ સમગ્ર મામલે ખુલાસો કરવામાં આવ્યો હતો. વન વિભાગના જણાવ્યા મુજબ સિંહે યુવક પર હુમલો કર્યો હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. સિંહ રોડ પર આવી જતાં બાઈક સ્લીપ થવાથી અકસ્માત સર્જાયો હતો.
વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે સામાન્ય સંજોગોમાં સિંહ કોઈ કારણ વિના માણસ પર હુમલો કરતો નથી. મોટાભાગે સિંહ માનવ હાજરીથી દૂર રહેવાનો પ્રયાસ કરે છે. તેથી વન્ય પ્રાણીઓ અંગે અફવાઓ ફેલાવવાને બદલે સાચી માહિતી લોકો સુધી પહોંચે તે જરૂરી છે.
વન વિભાગે લોકોને અપીલ કરી છે કે જ્યાં વન્ય પ્રાણીઓની હાજરી હોવાની શક્યતા હોય તેવા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવી જોઈએ. ગીચ ઝાડી-ઝાંખરા, બાવળની કાંટાળી ઝાડીઓ તેમજ અવાવરુ સ્થળોએ બિનજરૂરી અવરજવર ટાળવી જોઈએ. જો સિંહ, દીપડો અથવા અન્ય વન્ય પ્રાણી જોવા મળે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવી જોઈએ, જેથી સમયસર જરૂરી પગલાં લઈ કોઈ અનિચ્છનીય અકસ્માત અટકાવી શકાય.

