મોનિટર સાથે હાઈ-એન્ડ યુએસજી મશીન અને સીબીસી ૩-પાર્ટ મશીન દ્વારા દર્દીઓના હેલ્થ ચેક-અપમાં વધુ સુવિધા મળશે
(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૪
જામનગર, તા. ૨૪ જૂન, ૨૦૨૬ આંતરરાષ્ટ્રીય કક્ષાની એકીકૃત ડાઉનસ્ટ્રીમ એનર્જી અને પેટ્રોકેમિકલ્સ કંપની નયારા એનર્જીએ જામનગરની શ્રી ગુરુ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલને રૂ. ૫૦ લાખની કિંમતનું મોનિટર સાથેનું ઉચ્ચ કક્ષાનું યુએસજી મશીન અને સીબીસી ૩-પાર્ટ મશીન પ્રદાન કરીને સહાયનો લાભ આપ્યો છે. આ બે અતિ-આધુનિક મશીનો દર્દીઓના આરોગ્ય તપાસમાં વધુ રાહત અને સુવિધા પ્રદાન કરશે.
થોડા સમય પહેલા પણ ઔદ્યોગિક સામાજિક જવાબદારીના ભાગરૂપે નયારા એનર્જીએ જામનગરની શ્રી ગુરુ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલ અને ખંભાળિયાની જિલ્લા સરકારી હોસ્પિટલને તબીબી નિદાન વધુ કાર્યક્ષમરીતે થઇ શકે તે માટે જરૂરી એવા સાધનોનો સહયોગ કરવામાં આવ્યો હતો.
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જામનગરની શ્રી ગુરુ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને કેટલાંક પ્રકારના જરૂરી ટેસ્ટ માટે બહાર મોટો ખર્ચ કરવો ના પડે તે માટે હોસ્પિટલના અધિકારીગણ દ્વારા નયારા એનર્જીને મશીનનો સહયોગ કરવા માટે અપીલ કરાઈ હતી. આથી નયારા એનર્જી દ્વારા હોસ્પિટલની જરૂરિયાત મુજબ મોનિટર સાથે હાઈ-એન્ડ યુએસજી મશીન અને સીબીસી ૩- પાર્ટ મશીન રૂ. ૫૦ લાખના ખર્ચે લોકાર્પણ કરાયા હતાં.
અદ્યતન ડાયગ્નોસ્ટિક ઇમેજિંગ માટે ઉચ્ચ-સ્તરીય અલ્ટ્રાસાઉન્ડ સિસ્ટમ મશીન દ્વારા રેડિયોલોજી અને ડાયગ્નોસ્ટિક્સ, પ્રસૂતિશાસ્ત્ર અને સ્ત્રીરોગવિજ્ઞાન, કાર્ડિયોલોજી, વેસ્ક્યુલર અભ્યાસ, હસ્તક્ષેપ પ્રક્રિયાઓ, કટોકટી અને ક્રિટિકલ કેર, મસ્ક્યુલોસ્કેલેટલ ઇમેજિંગ અને સીબીસી ૩-પાર્ટ મશીન દ્વારા રક્ત કોશિકાઓની ગણતરી, ડબલ્યુબીસી ડિફરન્શિયલ, હિમોગ્લોબિન માપન, હિમેટોક્રિટ અને આરબીસી સૂચકાંકો વગેરે જેવા નિદાન માટે ખુબજ ઉપયોગી સાબિત થશે.

