Upleta. તા.25
ઉપલેટાના ખારચીયા ગામની પરિણીતાના મોત મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. વાડીની ઓરડીમાંથી પરિણીતાનો ગળાફાંસો ખાધેલો મૃતદેહ મળી આવતા બનાવ આપઘાતનો હોવાનું પ્રાથમિક ચિત્ર ઉપસી આવ્યું હતું. જે મામલે ફોરેન્સિક પીએમમાં ચોકાવનારા તથ્યો સામે આવ્યા હતા. પતિએ જ મહિલાને દોરડા વડે ગળાટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધાનું સ્પષ્ટ થતાં ભાયાવદર પોલીસે હત્યારા પતિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આદરી હતી.
બનાવ અંગે મૂળ ધોરાજીના વાવડી ગામના વતની અને હાલ મોરબીના શક્ત શનાળા ગામે રહેતા અને કારખાનામાં ડ્રાયવર તરીકે નોકરી કરતા યુવાન રાજેશભાઇ ઉર્ફે રવિ માવજીભાઈ હેડમ્બાએ આરોપી તરીકે બનેવી હિતેન્દ્ર લાખા બગડા (રહે. ખારચીયા, ઉપલેટા)નું નામ આપતાં ભાયાવદર પોલીસે હત્યા સહીતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેમની મોટી બહેન ઇલાબેનના લગ્ન 11 વર્ષ પહેલા ખારચીયા (શહીદ) ખાતે હીતેન્દ્ર સાથે થયેલ હતા. તેમને સંતાનમાં એક દીકરો તથા એક દીકરી છે. જેમાં મોટો દીકરો સાહિલ (ઉ.વ. 09) અને દીકરી જયેષ્ઠા (ઉ.વ.6) છે. ગઇ તા.23 ના તે મોરબી ખાતે કારખાને હતો ત્યારે બપોરે ચાર વાગ્યે એક અજાણ્યા નંબર પરથી ફોન આવેલ કે, હું તમારા બનેવી હીતેન્દ્રના કુટુંબીભાઈ પ્રવિણભાઇ બગડા બોલુ છુ, તમારી બહેન ઇલાએ ગળાફાંસો ખાઈ લીધેલ છે.
બાદ બહેનના દિયરે પણ ફોન કરી તાત્કાલિક આવવાનું કહ્યું હતું. જેથી તે અને તેમનો ભાઈ હીતેષ બન્ને ભાયાવદર ખાતે પહોંચ્યા હતા. રાત્રિના સાડા નવ વાગ્યે પિતા પણ સરકારી હોસ્પિટલ ખાતે આવી ગયા હતા. જયા બહેનનો મૃતદેહ જોતા તેના ચહેરાના ભાગે ઇજાના નીશાન હતા, માથાના વાળમાં તથા કપળા ઉપર ધુળ ચોટેલ હતી. બાદ બનેવી હીતેન્દ્રએ વાત કરેલ કે, તારી બહેન તથા હું બન્ને બપોરે જમીને દોઢ વાગ્યે પાનેલી રોડ ઉપર આવેલ વાડીએ ગયેલ હતા.
વાડીએ બપોરના બે વાગ્યા પછી તારી બહેન પાણી ભરવાનું કહી ઓરડીમાં ગયેલ હતી. બાદ તેણી પરત ન આવતા મે ઓરડીમાં જોતા તેણીએ દોરડા વડે ગળાફાસો ખાઈ લીધાનું જોવા મળ્યું હતું. જેથી મે 108 એમ્બયુલન્સને ફોન કરી બોલાવી હતી પણ તબીબી ટીમે તારી બહેનને તપાસી મૃત જાહેર કરી દીધી હતી.
વધુમાં યુવાને જણાવ્યું હતું કે, તેમની બહેન ઇલાના લગ્ન બાદ બનેવી હીતેન્દ્ર લાખા બગડા બહેનના ચારીત્ર બાબતે અવારનવાર શંકા કરતા હતા. જે શંકાના કારણે બહેનને શારીરીક-માનશીક ત્રાસ આપતો હતો. જેથી બહેન ઇલા બનેવીના ત્રાસથી કંટાળી અવારનવાર રીસામણે મોટી વાવડી તેઓના ઘરે તેમજ મામા અરજણભાઈ ગોબરભાઈ ચૌહાણ (રહે.કાથરોટા)ના ઘરે જતી રહેતી હતી. પરંતુ બહેનને નાના સંતાનો હોઇ જેથી તેઓનું ઘરના બગડે તે માટે મારા બનેવી સુધરી જશે તેમ માની પોતે પાછી સાસરીયામાં જતી રહેતી હતી.
પરંતુ બનેવી અવારનવાર બહેનના ચારીત્ર ઉપર શંકા કરી ત્રાસ આપતો હતો પણ બહેન તેના બાળકોનું વિચારતી હતી. બહેનને આત્મહત્યાનો વિચાર આવે નહિ, જેથી બહેન ઇલાની બનેવી હીતેન્દ્રએ હત્યા કરેલ હોવાની શંકા ગયેલ હતી. જેથી બહેનની લાશનું રાજકોટ ખાતે ફોરેન્સીક પી.એમ. કરાવવાની માંગ કરતા ભાયાવદર હોસ્પિટલ તંત્રએ મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ મોકલ્યો હતો.
બાદમાં બહેનના મૃતદેહના પી.એમ.માં મોતના કારણ બાબતે ડોકટર પાસેથી જાણવા મળેલ કે, મારી બહેનનું મોત જાતે ગળાફાસો ખાઇને નહિ પરંતુ તેણીને દોરડા વડે ગળાફાંસો આપી મોત નીપજાવેલ છે.
જેથી આ બનાવ આત્મહત્યા નહિ પરંતુ હત્યાનો હોઇ તેવુ જાણવા મળતા મારી બહેનની બનેવી હીતેન્દ્રભાઈ લાખાભાઈ બગડાએ દોરડા વડે ગળાફાસો આપી હત્યા કરેલ કર્યાનું ફલિત થતાં ભાઈએ ફરિયાદ નોંધાવી હતી. જે બનાવ અંગે ભાયાવદર પોલીસે ગુનો નોંધી પીઆઈ એચ.એમ.ધાંધલ અને ટીમે તપાસ આદરી આરોપીની અટકાયત કરવાં તજવીજ આદરી હતી.

