બિમાર હોવા છતાં પરિવારને જાણ ન કરી, સંચાલકોની બેદરકારીથી મોત થયાનો પરિવારનો આક્ષેપ : કાનુની કાર્યવાહી કરવા માંગ
જસદણની આલ્ફા હોસ્ટેલમાં રહીનવોદય વિદ્યાલય માટેના ક્લાસ કરતી 10 વર્ષીય માસુમ બાળકીનું શંકાસ્પદ હાલતમાં મોત નિપજ્યું છે. બિમાર પડ્યા બાદ સારવારમાં મોત નિપજ્યું હતું. સંચાલકોની બેદરકારીના કારણે મોત થયું હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.
આ ઘટના અંગે મહુવાના મોટા જાદરા ગામની આયુષીના પિતા રમેશભાઈ બલદાણીયાએ જણાવ્યુ હતું કે, મારી દીકરીને એપ્રિલ મહિનામાં નવોદયના ક્લાસ કરવા માટે આલ્ફા હોસ્ટેલમાં અભ્યાસ માટે એડમીશન લીધું હતું. આજે મને સંચાલકો દ્વારા દિકરી બિમાર હોવાની અને રાજકોટ ખાતે સારવારમાં લઈ જઈ રહ્યાની જાણકારી આપતા હું રાજકોટ ખાતે દોડી આવ્યો હતો. જ્યારે હોસ્પિટલ પહોંચ્યો તો દિકરી મૃત હોવાની જાણકારી મને આપી હતી.
મારી દિકરીને અછબડા અને તાવ આવ્યો હતો. જેની જાણકારી સંચાલકો દ્વારા અમને આપવામાં આવી નહોતી તેની કઈ પ્રકારની સારવાર કરવામાં આવી છે તેની પણ જાણ મને કરવામાં આવી નથી. સંચાલકોની ઘોરબેદરકારીના કારણે મારી દિકરીનો જીવ ગયો છે. તેવો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો.
દિકરીનો મૃતદેહ જોઈ પરિવાર ભાંગી પડ્યો હતો. માસુમ દિકરી ગુમાવતા શોકનો માહોલ છવાયો હતો. બેદરકારી દાખવનાર સંચાલકો સામે કાનુની કાર્યવાહી કરવા પરિવાર દ્વારા માંગ કરવામાં આવી છે.
આ બાબતે આલ્ફા હોસ્ટેલના આચાર્યએ જણાવ્યું હતું કે, અમે દિકરીની સારવાર કરાવી રહ્યા હતા. પરંતુ અંતે આવુ દુખદ બની ગયું છે અમે આ બાબતે પરિવારને સમયસર જાણ કરી શક્યા નથી. એ અમારી બેદરકારી છે. ઉપરોકત બનાવ બનતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

