New Delhi, તા.26
દેશની અગ્રણી સોનાની નિકાસકાર કંપની `રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડ’ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ફેમા કાયદા હેઠળ બેંગલુ અને મુંબઈની 9 જેટલી જગ્યાઓ પર પાડવામાં આવેલાં દરોડામાં કંપનીનાં નાણાકીય વ્યવહારોમાં ભારે ગેરરીતિઓ સામે આવી છે. આ સર્ચ ઓપરેશન દરમિયાન એજન્સીએ અનેક શંકાસ્પદ ડિજિટલ પુરાવા અને દસ્તાવેજો જપ્ત કર્યા છે.
કંપનીની કરોડોની કમાણી અને તેના ટોચનાં અધિકારીઓનાં પગાર વચ્ચેનો તફાવત જોઈને ઈડીના અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયાં છે. એજન્સીના જણાવ્યાં અનુસાર, કંપનીએ આશરે રૂ. 7.7 લાખ કરોડની ક્નસોલિડેટેડ આવક દર્શાવી હોવા છતાં, કંપનીનાં ચીફ ફાઇનાન્સિયલ ઓફિસરે વર્ષ 2020થી કોઈ પગાર જ લીધો નથી!
આ ઉપરાંત, કંપનીનાં મેનેજિંગ ડિરેક્ટરનો માસિક પગાર માત્ર રૂ. 17,000 દર્શાવવામાં આવ્યો છે, જે સામાન્ય રીતે શંકાસ્પદ છે. તપાસ દરમિયાન વિદેશી વ્યવહારોમાં પણ મોટી ગોલમાલ સામે આવી છે.
કંપની આફ્રિકાની ખાણોમાં પોતાની રૂ. 1,035 કરોડની રોકાણની વિગતો આપવા માટે કોઈ સત્તાવાર દસ્તાવેજો રજૂ કરી શકી નથી. આ સાથે જ, યુએઈ અને અન્ય દેશોની સંસ્થાઓ સાથેનાં રૂ. 3,000 કરોડનાં વિદેશી વેપારની લેતીદેતીના હિસાબોમાં પણ ભારે ગેરરીતિ જોવા મળ્યાં છે.
કંપનીનાં વિદેશી આયાત-નિકાસ અને રોકાણના અસલ દસ્તાવેજો ગાયબ હોવાથી આ વ્યવહારોની સત્યતા તપાસવી મુશ્કેલ બની ગઈ છે. એટલું જ નહીં, જ્યારે ઈડીની ટીમે કંપનીનાં ગોડાઉન અને ફેક્ટરીઓમાં રહેલાં સોનાનાં વાસ્તવિક સ્ટોકની ભૌતિક ચકાસણી કરી, ત્યારે ત્યાં ચોપડે નોંધાયેલાં સ્ટોક કરતાં અંદાજે 40 ટકા ઓછું સોનું મળી આવ્યું હતું.
એજન્સીને કંપનીનાં શેરોમાં શંકાસ્પદ બ્લોક ડીલ્સ (શેર મેનીપ્યુલેશન) થવાની પણ આશંકા છે. એનઆરઆઈ બેનામી રોકાણકારોનો ઉપયોગ કરીને શેરબજારમાં હેરાફેરી દ્વારા ભારતમાંથી આશરે રૂ. 600 કરોડથી વધુની રકમ વિદેશમાં ડાયવર્ટ કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ પણ ઈડીએ કર્યો છે.

