અમરેલીમાં સોસાયટીનો માર્ગ બંધ કરવા સામે મહિલાઓ આવી મેદાને,થાળી વાટકા વગાડી વિરોધ કરાયો
(મિલાપ રૂપારેલ દ્વારા)અAmreli તા.૨૬
અમરેલી શહેરમાં દીકરાના ઘર તરીકે ઓળખાતી સંસ્થા અને લાઠી રોડ પર આવેલી બ્રાહ્મણ સોસાયટી પાસે કેટલાય વર્ષોથી સ્થાનિક લોકો ઉપયોગમાં લેતા માર્ગને બંધ કરવાની કાર્યવાહી શરૂ થતાં અમરેલીમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જો આ માર્ગ બંધ થઈ જવાથી બ્રાહ્મણ સોસાયટી તેમજ આસપાસના વિસ્તારોમાં રહેતા અનેક પરિવારોને અવરજવર માટે મુશ્કેલી ઉભી થવાની શક્યતા સર્જાઈ છે. જે મુદ્દે મહિલાઓ રસ્તા પર ઉતરીને થાળી વાટકા વગાડીને વિરોધ કર્યો હતો.
આ મુદ્દે સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષોથી ઉપયોગમાં લેવાતો આ માર્ગ અચાનક બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ મુદ્દે સંબંધિત સંસ્થાઓ અને જવાબદાર તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી. જેના કારણે લોકોમાં અસંતોષની લાગણી વ્યાપી છે.
આ મામલે ગઈકાલે વિસ્તારની મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ હતી અને થાળી-વાટકા વગાડી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલાઓએ જણાવ્યું હતું કે રસ્તો બંધ થઈ જવાથી વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને રોજિંદા કામકાજ માટે આવતા-જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
આ પ્રદર્શન દરમિયાન સ્થાનિકોએ ચેતવણી આપી હતીકે જો આગામી દિવસોમાં રસ્તો બંધ કરવાની કાર્યવાહી રોકવામાં નહીં આવે અને સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહીં લાવવામાં આવે તો વધુ ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે, જેના માટેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે. હાલમાં સમગ્ર મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યોછે અને સ્થાનિક લોકો તંત્રના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.

