Bangalore,તા.16
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, ઝડપી બોલર મોહમ્મદ શમી હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી. તેણે કહ્યું, અમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટેની ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ શ્રેણી માટે અડધાં ફિટ શમીને લઈ જવા માંગતા નથી. ભારતીય ટીમ આ જોખમ લેવા માંગતી નથી. હાલમાં શમીને ઓપરેશનમાંથી સાજા થવામાં તકલીફ પડી રહી છે.
અત્યારે નિર્ણય લેવો મુશ્કેલ
રોહિતે કહ્યું, અમારા માટે તે નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ છે કે તે વર્તમાન શ્રેણી અથવા ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે શમી સંપૂર્ણ રીતે ફિટ છે કે નહીં. તાજેતરમાં તેનાં ઘૂંટણમાં સોજો આવી ગયો હતો જે તદ્દન અસામાન્ય છે.
તે સંપૂર્ણ ફિટનેસ પાછી મેળવવાની પ્રક્રિયામાં છે. તે 100 ટકા ફિટ થવાની નજીક હતો પરંતુ તેનાં ઘૂંટણમાં સોજો આવી ગયો હતો જેનાં કારણે તેની સંપૂર્ણ ફિટનેસ પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે. તેણે નવેસરથી શરૂઆત કરવી પડશે. હાલમાં તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં દેખરેખ હેઠળ છે.
ફિટ થયાં પછી જ નિર્ણય
રોહિતે કહ્યું કે ટીમ મેનેજમેન્ટ ઈચ્છે છે કે શમી ટોપ લેવલ ક્રિકેટમાં પરત ફરતાં પહેલાં સંપૂર્ણ ફિટનેસ પાછી મેળવે. તેણે કહ્યું, અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યાં છીએ અને અમે ઈચ્છીએ છીએ કે તે 100 ટકા ફિટ રહે. લાંબા સમય સુધી આઉટ થયાં બાદ ઝડપી બોલર માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું મુશ્કેલ છે. અમે તેને 100 ટકા ફિટ કરવા માટે પૂરતો સમય આપવા માંગીએ છીએ. ફિઝિયો, ટ્રેનર્સ, ડોકટરોએ તેને સંપૂર્ણ રીતે ફિટ કરવા માટે એક પ્રક્રિયા તૈયાર કરી છે.
જસપ્રિતને રમતની ખૂબ સારી સમજ છે
બુમરાહને વાઇસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવા પર, રોહિતે કહ્યું કે તે રમતની ખૂબ સારી સમજ ધરાવે છે. તે શરૂઆતથી જ ટીમનાં નેતૃત્વનો અભિન્ન ભાગ રહ્યો છે. બુમરાહને ન્યુઝીલેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી માટે વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
રોહિતે કહ્યું, બુમરાહે ઘણું ક્રિકેટ રમ્યો છે. મેં તેની સાથે ઘણું ક્રિકેટ રમ્યું છે. તેને રમતની ખૂબ સારી સમજ છે. જ્યાં સુધી મને ખબર છે, તેને અત્યાર સુધી એક ટેસ્ટ અને કેટલીક ટી-20 મેચોમાં કેપ્ટનશિપ કરી છે. તે સમજે છે કે શું કરવાની જરૂર છે. જ્યારે તમે એવી પરિસ્થિતિમાં હોવ કે જ્યાં તમને લિડરની જરૂર હોય, ત્યારે મને લાગે છે કે બુમરાહ તેમાંથી એક હશે.

