Jetalsar,તા.૨૭
ઐતિહાસિક જેતલસર જંકશન ખાતેથી રેલવે લોકો લોબી અને ૭૨ જેટલા કર્મચારીઓને અન્યત્ર ખસેડવાના નિર્ણય સામેનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. લોબી શિફ્ટ કરવાના રેલવે તંત્રના નિર્ણયનો ગ્રામજનો દ્વારા સતત અને ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. અગાઉ રેલવેના જનરલ મેનેજર (જીએમ)ને આપવામાં આવેલી આંદોલનની ચીમકીનો સમય પૂર્ણ થતાં જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ સીધા જેતલસર પહોંચીને ગ્રામજનો સાથે મહત્વની બેઠક યોજી હતી અને સ્થિતિની સમીક્ષા કરી હતી.
ગ્રામજનો સાથેની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, અગાઉ ગ્રામજનોએ રેલવે બચાવ સમિતિ બનાવીને ધરણા અને આંદોલન કર્યું હતું. તે સમયે સમિતિનું પ્રતિનિધિમંડળ રેલવે મંત્રીને મળ્યું હતું અને તેમને આશ્વાસન મળતા આંદોલન સ્થગિત કરવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ પણ કોઈ નક્કર કાર્યવાહી ન થતા તેમણે રેલવે ય્સ્ને આંદોલનની ચીમકી આપી હતી.
આજે તે ચીમકીનો સમય પૂરો થતાં રાદડિયાએ સ્પષ્ટતા કરી છે કે તેઓ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર સાથે સતત સંપર્કમાં છે. તેમના દાવા મુજબ, રેલવે તંત્ર દ્વારા સ્ટાફની બદલી રોકવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
ધારાસભ્ય જયેશ રાદડિયાએ રેલવે પ્રશાસનને ચેતવણી આપતા જણાવ્યું છે કે, “જો એક ઓર્ડર કાઢ્યા બાદ તંત્ર દ્વારા ફરી કોઈ વિલંબ થશે, તો અમે આંદોલન કરીશું.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “આવનારા દિવસોમાં જો આ પ્રશ્નનું સંપૂર્ણ નિરાકરણ નહીં આવે તો આંદોલન અનિવાર્ય બનશે.”
જેતલસર જંકશનનું ઐતિહાસિક મહત્વ યથાવત રહે તે માટે પોતાના તરફથી સતત પ્રયાસો ચાલુ હોવાનું નિવેદન ધારાસભ્યએ આપ્યું છે. હવે જોવાનું એ રહે છે કે રેલવે તંત્ર આ મામલે તાત્કાલિક કોઈ નક્કર આદેશ બહાર પાડે છે કે પછી જેતલસરમાં રેલવે સામે ફરી એકવાર મોટું આંદોલન છેડાશે.

