RAJKOT,તા.16
રાજકોટ શહેર જીલ્લામાં અનઅધિકૃત રીતે સરકારી જમીનો ઉપર ખડકાયેલા દબાણોને હટાવવા માટે કલેકટર તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે મોરબી રોડ ઉપર રેવન્યુ સર્વે નંબર 91 પૈકીની ટીપી સ્કીમ નંબર 12 ના એફપી નંબર 55 ની 3271 ચોરસ મીટર જમીન પરથી દબાણોને હટાવવામાં આવેલ હતા.
રાજકોટ પ્રાંત-1 અધિકારી ચાંદનીબેન પરમાર, રાજકોટ પૂર્વ વિભાગનાં મામલતદાર એસ.જે.ચાવડા, સર્કલ ઓફીસર સત્યમ સેરશીયા, નાયબ મામલતદાર જે.એચ.સાંબડ, તલાટી ધારાબેન વ્યાસ સહીતનાં અધિકારીઓ અને કર્મચારીઓનાં કાફલા દ્વારા પોલીસ બંદોબસ્તને સાથે રાખી આ ઓપરેશન ડીમોલીશન કરવામાં આવેલ હતું.
શહેરના પૂર્વ વિસ્તારમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે મોરબી હાઈવે પર ફોર્જ એન્ડ ફોર્જ યુનિટની બાજુની આ સરકારી જમીન પર દબાણકારોએ અન અધિકૃત રીતે કરેલા દબાણો જેમાં રેતી-કપચીનાં ધંધાર્થીઓના દબાણો ઉપરાંત ત્રણ રહેણાંકનાં ઝુંપડા તેમજ ઈંડાની લારી અને ચા-નાસ્તાની એક એક રેંકડીઓનાં દબાણો હટાવવામાં આવ્યા હતા.
આ દબાણકારોને અગાઉ પૂર્વ વિભાગનાં મામલતદાર એસ.જે.ચાવડા દ્વારા નોટીસો ફટકારવામાં આવી હતી. જેની મહેતલ પૂર્ણ થતાની સાથે જ આજે કલેકટર તંત્ર દ્વારા ઓપરેશન ડીમોલીશન હાથ ધરી રૂા.13 કરોડની આ 3271 ચોરસ મીટર જમીન પરથી દબાણોની સાફસુફી કરી હતી.