New Delhi, તા. 01
આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ 2026માં ખરાબ પ્રદર્શન અને ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ જવા છતાં, બીસીસીઆઈએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર પર પોતાનો વિશ્વાસ જાળવી રાખ્યો છે.
જાપાનનાં આઈચી-નાગોયામાં આગામી 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન યોજાનારી એશિયન ગેમ્સ 2026 માટે 15 સદસ્યની ભારતીય મહિલા ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેની કમાન અનુભવી ખેલાડી હરમનપ્રીત કૌર જ સંભાળશે.
ભારતીય ટીમ આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાને ઉતરશે. આ અગાઉ વર્ષ 2023માં ચીનનાં હાંગઝોઉ ખાતે રમાયેલી એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ પોતાનાં નામે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, એશિયન ગેમ્સમાં પુરુષ અને મહિલા બંને વર્ગોની ક્રિકેટ મેચો ટી20 ફોર્મેટમાં રમાડવામાં આવે છે, જેમાં ભારત ફરી એકવાર ઇતિહાસ દોહરાવવાના ઈરાદા સાથે ઉતરશે.
તાજેતરમાં ઈંગ્લેન્ડમાં રમાયેલા મહિલા ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની સફર અત્યંત નિરાશાજનક રહી હતી અને રવિવારે ઓસ્ટ્રેલિયા સામે મળેલી હાર સાથે જ ટીમ બહાર થઈ ગઈ હતી.
આ ખરાબ પ્રદર્શન બાદ 37 વર્ષીય હરમનપ્રીતની કેપ્ટન્સી સામે અનેક સવાલો ઉઠ્યાં હતાં, પરંતુ બીસીસીઆઈએ તેમની આગેવાની હેઠળ ગત વર્ષે જીતેલાં વનડે વર્લ્ડ કપના ટ્રેક રેકોર્ડને ધ્યાનમાં રાખીને તેમને વધુ એક તક આપવાનો નિર્ણય કર્યો છે.
એશિયન ગેમ્સ માટે જાહેર કરાયેલી આ ટીમમાં સ્મૃતિ મંધાના ઉપકેપ્ટન તરીકે યથાવત રહેશે. વર્લ્ડ કપની ટીમમાંથી માત્ર વિકેટકીપર-બેટ્સમેન યાસ્તિકા ભાટિયાને બહાર કરવામાં આવી છે અને તેના સ્થાને જી. કમલિનીને ટીમમાં સ્થાન મળ્યું છે.
જ્યારે ઓલરાઉન્ડર શ્રેયંકા પાટિલને ટીમમાં સામેલ તો કરાઈ છે, પરંતુ તેનું રમવું તેની ફિટનેસ પર નિર્ભર રહેશે. બોલિંગ વિભાગની જવાબદારી દીપ્તિ શર્મા અને રેણુકા સિંહ સહિતનાં ખેલાડીઓ પર રહેશે.

