New Delhi તા. 01
જાપાનની સ્ટાર ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકાએ વિમ્બલ્ડન 2026ના પ્રથમ રાઉન્ડમાં પોતાની રમતની સાથે-સાથે અનોખી ફેશન સ્ટાઇલથી પણ બધાનું ધ્યાન ખેંચ્યું છે. ઓસાકા કોર્ટ પર પ્રખ્યાત ફિલ્મ `કિલ બિલ’થી પ્રેરિત સફેદ કીમોનો પહેરીને ઉતરી હતી.
જે પારંપરિક જાપાનીઝ વેડિંગ ડ્રેસ ‘શિરોમુકુ’ના અપસાઇકલ કપડાંમાંથી તૈયાર કરવામાં આવ્યો હતો. આ શાનદાર આઉટફિટ બાદ ઓસાકાએ કોર્ટ પર પણ ધમાકેદાર પ્રદર્શન કર્યું અને ફ્રાન્સની એલ્સા જેકમોને 6-1, 7-5થી હરાવીને ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે. હવે બીજા રાઉન્ડમાં તેનો સામનો વિશ્વની 225મી રેન્કિંગ ધરાવતી અનાસ્તાસિયા ગસાનોવા સામે થશે.
મેચ જીત્યા બાદ ઓસાકાએ ખુલાસો કર્યો હતો કે આ કીમોનો તેની જાપાનીઝ વિરાસત અને ડાયરેક્ટર ક્વેન્ટિન ટેરેન્ટિનોની ફેવરિટ ફિલ્મ ‘કિલ બિલ’ના પાત્ર ‘ઓ-રેન ઇશી’ પ્રત્યેનો તેનો પ્રેમ દર્શાવે છે.
ઓસાકાએ જણાવ્યું કે, વિમ્બલ્ડનમાં બધા સફેદ કપડાં પહેરે છે, તેથી તેણે આ ખાસ કીમોનો પસંદ કર્યો જેથી તે કોર્ટ પર કોઈ વીડિયો ગેમના કેરેક્ટર જેવી ઉર્જા અનુભવી શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નાઓમી ઓસાકા ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ્સમાં આવી અનોખી ફેશન માટે જાણીતી છે; આ પહેલાં તે ઓસ્ટ્રેલિયન ઓપનમાં પતંગિયાવાળી મોટી હેટ અને ફ્રેન્ચ ઓપનમાં બ્લેક કોર્સેટ લુકમાં પણ હેડલાઇન્સ મેળવી ચૂકી છે.

