Rajkot,તા.23
દિવાળી નજીક આવી ગઈ છે અને લોકો મોંઘવારી અને મોસમની માઠી વચ્ચે ગુજરાન ચલાવવા માર્ગો પર અવરજવર કરી રહ્યા છે ત્યારે પોલીસે સરકારનો હૂકમ પાળવા માટે બે દિવસથી હેલમેટ નહીં પહેરનારાને દંડવાની ઝૂંબેશ આદરી છે. અકસ્માતોના ઓવરસ્પીડીંગ,બેફામ ડ્રાઈવીંગ જેવા અનેક મુખ્ય કારણો છે અને તે દૂર કરવા લોકોની માંગણી રહી છે ત્યારે પોલીસે આજે પણ સરકારી કચેરીઓએ ટીમો તૈનાત કરીને માથા પર હેલમેટ ન હોય તેવા અરજદારો,કર્મચારીને ઉભા રાખીને લોકો પાસેથી દંડ વસુલ્યો હતો.
આ દરમિયાન મહાપાલિકા કચેરીએ ભાજપના એક કોર્પોરેટર રાબેતામૂજબ અને અન્ય લોકોની જેમ હેલમેટ વગર ટુ વ્હીલર ઉપર આવતા તેને પોલીસે અટકાવ્યા હતા અને થોડી રકઝક બાદ તેણે પણ દંડ ભર્યો હતો. પોલીસસૂત્રો અનુસાર બહુમાળી ભવન, મહાપાલિકા સહિત સરકારી કચેરીઓએ હેલમેટનો નિયમભંગ કરનાર ૪૫૩ લોકો પાસેથી રૂ।.૨,૨૪,૭૦૦ના દંડની વસુલાત કરાઈ છે.
કોર્પોરેટર હેલમેટ વગર પકડાયા પણ પદાધિકારીઓ પકડી શકાય નહીં, કારણ કે તે પ્રજાના ખર્ચે કારમાં જ આવે છે. બીજી તરફ પોલીસ કમિ., ડી.સી.પી., આર.ટી.ઓ.ના અધિકારીઓ વગેરે હેલમેટને જરુરી ગણીને લોકોને હેલમેટ પહેરવા અપીલો કરે છે. આ સ્થિતિમાં, આઈ.પી.એસ., આઈ.એ.એસ. સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ મેયર, ડે.મેયર, ચેરમેન, ધારાસભ્યો, સાંસદો વગેરે નેતાગણ કે જે ફોર વ્હીલરમાં જ અવરજવર કરે છે તેઓ પોતે ટુ વ્હીલરમાં હેલમેટ પહેરીને નીકળીને તથા આમ નાગરિકની જેમ શહેરમાં રોજિંદા કાર્યો કરીને હેલમેટ પહેરવા લોકોને પ્રેરિત કરી શકે પરંતુ, તેમ હજું થયું નથી. પ્રજાના ખર્ચે મળતી કાર છોડીને ટુ વ્હીલરમાં આ સત્તાધીશો જાય તો જનતાની તિજોરીમાંથી ઈંધણ ખર્ચ પણ બચે તેમ છે.
વાહનને સલામતિપૂર્વક હંકારવા માટે અનેક નિયમો ઘડાયા છે, વાહન પર એલઈડી લાઈટ પણ કંપની ફીટીંગ ન હોય તો રાખી શકાતી નથી છતાં તે લાઈટ બજારમાં મળે છે,વાહન પર લગાવાય છે. આર.ટી.ઓ.વાળા ક્યારેક મન પડે ત્યારે આવી લાઈટના કેસ પણ કરી નાંખે છે. નોઈઝ પોલ્યુશન પણ પ્રતિબંધિત છે પરંતુ, તેનો એકેય કેસ થતો નથી. આવા અનેક નિયમો પૈકીના એક નિયમ હેલમેટ છે. પરંતુ, પોલીસ-આર.ટી.ઓ.ના બે દિવસના રિપોર્ટ મૂજબ માત્ર હેલમેટના કેસો કરવાની કામગીરી જાહેર કરીને જારી રખાઈ છે.
રાજકોટમાં ભૂતકાળમાં જ્યારે હેલમેટ પહેરવાની એક મુદ્દાની ઝૂંબેશ થઈ ત્યારે વિરોધ ઉઠતો રહ્યો છે. હાલ સોશ્યલ મિડિયામાં હેલમેટ પહેરવાના ગેરફાયદા વર્ણવીને એક પોસ્ટ વાયરલ થઈ છે, એક સિનિયર સિટીઝને ૨૦૧૯માં કલેક્ટરને શહેરમાં ફરજીયાત હેલમેટ સામેની ઝૂંબેશ વિરુધ્ધ રજૂઆત કરી હતી તે શેર કરી છે. પરંતુ, એકંદરે લોકોએ મૌન રહીને હેલમેટ વગર વાહનો હંકારવાનું ચાલુ રાખ્યું હતું.