New Delhi,તા.07
એવું માનવામાં આવે છે કે જો થર્ડ અમ્પાયરે રિષભ પંત વિરુદ્ધ વિવાદાસ્પદ નિર્ણય ન આપ્યો હોત તો મુંબઈ ટેસ્ટનું પરિણામ અલગ જ હોત અને ટીમ ઈન્ડિયા પર વ્હાઇટવોશનો ડાઘ પણ ન લાગ્યો હોત.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. પંતની વિકેટને મેચનો ’ટર્નિંગ પોઈન્ટ’ ગણાવતાં તેણે કહ્યું હતું કે, ’તે સમયે રિષભ ખરેખર સારું રમી રહ્યો હતો અને એવું લાગતું હતું કે તે જીતાડશે, પરંતુ તે આઉટ થતાં જ બધું બદલાઈ ગયું. માત્ર મુંબઈમાં જ નહીં, સમગ્ર ટેસ્ટ શ્રેણી દરમિયાન પંત ટીમ ઈન્ડિયાની મોટી આશા હતો.
તેની આક્રમકતા મેચમાં ટીમ ઈન્ડિયાના પુનરાગમન માટેનાં દરવાજા ખોલી રહી હતી. તે ટીમ ઈન્ડિયાનો ’એક્સ-ફેક્ટર’ હતો. ભારતીય ટેસ્ટ ટીમનો આગામી સ્ટોપ ઓસ્ટ્રેલિયા છે. જ્યારે ભારતમાં સારું પ્રદર્શન ન રહ્યું ત્યારે શું ઓસ્ટ્રેલિયામાં પંત એકલો જ કાફી હશે ?
ગાબાનો પડઘો ચાલું છે
ભારતે ઓસ્ટ્રેલિયામાં પાંચ ટેસ્ટ મેચો રમવાની છે. આ મુશ્કેલ શ્રેણી માટે પણ તમામ ધ્યાન આ ડાબા હાથનાં બેટ્સમેન પર કેન્દ્રિત થયું છે. તેનાં કારણે જ ભારતે ઓસ્ટ્રેલિયાનાં છેલ્લાં પ્રવાસ પર ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-1 થી જીત મેળવી હતી. ગાબા ટેસ્ટમાં તેની અણનમ 89 રનની ઇનિંગનો પડઘો હજુ પણ ઓસ્ટ્રેલિયન ટીમને પરેશાન કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે પણ સ્વીકાર્યું છે કે પંત આગામી શ્રેણીમાં ટીમ ઈન્ડિયા માટે ફરી એકવાર ’મોટો’ એક્સ-ફેક્ટર સાબિત થઈ શકે છે.
પંતને ફાસ્ટ બોલર પસંદ છે અને તે સ્પિનરોથી ડરતો નથી
પંત બેધડક બેટિંગ કરે છે અને તેની બેટિંગ ફાસ્ટ બોલર માટે યોગ્ય માનવામાં આવે છે, પરંતુ તે સ્પિનનો પણ મોટો ખેલાડી છે. તેને ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી શ્રેણીમાં આ સાબિત કર્યું હતું. જ્યારે અન્ય ભારતીયો સ્પિનરો સામે આત્મસમર્પણ કરી રહ્યાં હતાં, ત્યારે પંત કિવિ સ્પિનરોનો મુકાબલો કરી રહ્યો હતો અને બોલને બાઉન્ડ્રી તરફ મોકલી રહ્યો હતો.
પંત કિવી સ્પિનરો સામે પાંચ ઇનિંગ્સમાં ત્રણ વખત આઉટ થયો હતો, પરંતુ આઉટ થતાં પહેલાં તેણે 66 ની એવરેજથી 198 રન પણ બનાવ્યાં હતાં. આ સમયગાળા દરમિયાન, કીવી સ્પિનરો સામે કોઈ પણ ટોચનાં ક્રમનાં ભારતીય બેટ્સમેનની સરેરાશ 30 ની ઉપર ન હતી.
પુનરાગમન પછી પણ સમાન લય
માત્ર મુંબઈ ટેસ્ટ જ નહીં, પંત ભયાનક કાર અકસ્માત પછી ટેસ્ટ ક્રિકેટમાં પાછા ફર્યો ત્યારથી સતત અદ્ભુત બેટિંગ કરી રહ્યો છે. એવી અપેક્ષા હતી કે તેને તેની જૂની લય પાછી મેળવવામાં થોડો સમય લાગશે, પરંતુ તેની બેટીંગ જોઈને એવું લાગતું ન હતું કે તે ક્યારેય મેદાનથી દૂર રહ્યો હોય. પુનરાગમન બાદ પંતે તેની પ્રથમ ટેસ્ટ બાંગ્લાદેશ સામે રમી હતી.
તેણે ચેન્નાઈમાં રમાયેલી ટેસ્ટ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. બેંગલુરુમાં, તે તેની સદી એક રનથી ચૂકી ગયો અને મુંબઈ ટેસ્ટમાં, તેણે એકલાં હાથે ભારતને યાદગાર વિજયની નજીક પહોંચાડયું હતું. તેણે વાનખેડે ખાતે બે અડધી સદી ફટકારી હતી, બંનેનો સ્ટ્રાઈક રેટ 100 થી વધુ હતો.

