Sydney,તા,11
નાથન મેકસ્વીની ભારત સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં ઉસ્માન ખ્વાજા સાથે પ્રથમ વખત ઇનિંગ્સની શરૂઆત કરશે. જોશ ઈંગ્લિશને પણ પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 22 નવેમ્બરથી પર્થમાં શરૂ થઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણી માટે આ બે નવાં ચહેરાઓને ટીમમાં સામેલ કર્યા છે.
ડેવિડ વોર્નર અને રિકી પોન્ટિંગ દ્વારા મેકસ્વીનીની પસંદગીની હિમાયત કરવામાં આવી હતી. તેને માર્કસ હેરિસ, કેમેરોન બૈનક્રોફ્ટ અને સેમ કોસ્ટાસ સામે પસંદ કરવામાં આવ્યો હતો.
ઓસ્ટ્રેલિયા પસંદગી સમિતિનાં વડા જ્યોર્જ વેલીએ કહ્યું, ’અમે નાથનની રમતથી ખૂબ જ ઉત્સાહિત છીએ. તેને ટેસ્ટ ગમશે કારણ કે તે ખૂબ જ સ્થિર વલણ સાથે રમે છે.
છેલ્લાં બે વર્ષમાં ગ્રાફ વધ્યો
મેકસ્વીની 25 વર્ષનો છે અને દક્ષિણ ઓસ્ટ્રેલિયાથી રમે છે. તેણે છેલ્લી કેટલીક સીઝનમાં શેફિલ્ડ શિલ્ડમાં સતત સારું પ્રદર્શન કર્યું છે. એકંદરે, મેકસ્વીનીની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 38.16 ની એવરેજ છે, જેમાં છ સદીનો સમાવેશ થાય છે. છેલ્લા બે વર્ષમાં તેણે 43.44 ની એવરેજથી રન બનાવ્યાં છે અને તેની તમામ સદી આ છેલ્લાં બે વર્ષમાં આવી છે.
તેણે ભારત સામે એ ટીમની મેચમાં કેપ્ટન અને વિકેટકીપર તરીકે પણ પ્રભાવિત કર્યા હતાં. ઈંગ્લિસને એલેક્સ કેરીના બેકઅપ વિકેટકીપર તરીકે સામેલ કરવામાં આવ્યો છે. તેણે શેફિલ્ડ શિલ્ડમાં પણ સારું પ્રદર્શન કર્યું છે.
પ્રથમ ટેસ્ટ માટેની ટીમ
પૈટ કમિન્સ (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વીની, માર્નસ લવુચિન, સ્ટીવ સ્મિથ, મિશેલ માર્શ, સ્કોટ વોલેન્ડ, એલેક્સ કૈરી, ટ્રેવિસ હેડ, જોશ હેઝલવુડ, જોશ ઈંગ્લિસ, નાથન લિયોન અને મિશેલ સ્ટાર્કનો સમાવેશ થયો છે.

