New Delhi,તા,19
સચિન તેંડુલકરે પોતાની કારકિર્દીમાં ઘણાં રેકોર્ડ બનાવ્યાં છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ તેનાં નામે છે. સચિને એવાં પરાક્રમો કર્યા છે જેનાં વિશે કોઈ વિચારી પણ ન શકે. તેણે બાળપણમાં જ આની શરૂઆત કરી હતી.
હેરિસ શીલ્ડ ટૂર્નામેન્ટમાં સચિને વિનોદ કાંબલી સાથે 664 રનની ભાગીદારી નોંધાવી હતી. આજે પણ તેની ચર્ચા થાય છે. આ મેચમાં સચિને જે કામ કર્યું છે તેને એક છોકરાએ પાછળ છોડી દીધો છે.
જનરલ એજ્યુકેશન એકેડમીના આયુષ શિંદેએ હેરિસ શિલ્ડ ટૂર્નામેન્ટમાં 419 રનની અણનમ ઇનિંગ રમી છે. આયુષે સચિનનો સ્કોર આસાનીથી વટાવી દીધો હતો. આ ભાગીદારીમાં સચિને 326 અણનમ રન બનાવ્યાં હતાં. વિનોદ કાંબલીએ 349 રનની અણનમ ઇનિંગ રમી હતી. આયુષ એ બંને કરતાં આગળ નીકળી ગયો છે.
સરફરાઝ ખાને 2009માં 12 વર્ષની ઉંમરે રમેલી 439 રનની ઈનિંગ બાદ આ ટૂર્નામેન્ટની આ બીજી સર્વોચ્ચ વ્યક્તિગત ઈનિંગ રહી છે. આયુષની ઇનિંગના બળ પર તેની ટીમે 45 ઓવરમાં 648/5 નો વિશાળ સ્કોર બનાવ્યો અને 464 રનનાં વિશાળ અંતરથી મેચ જીતી હતી.
આયુષે 152 બોલની ઈનિંગમાં 43 ચોગ્ગા અને 24 છગ્ગા ફટકાર્યા હતાં. 2013 માં 14 વર્ષનાં પૃથ્વી શોએ હેરિસ શીલ્ડની એક ઇનિંગમાં સૌથી વધુ 546 રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી હતી
સચિન આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈને ટીમ ઈન્ડિયા પહોંચ્યો હતો. સરફરાઝ ખાન અને પૃથ્વી શોએ પણ અહીંથી ટીમ ઈન્ડિયાની સફર શરૂ કરી હતી. હવે જોવાનું એ રહેશે કે આયુષ આ ત્રણેયના માર્ગ પર ચાલી શકશે કે નહીં.

