rajkot તા.૨૦
સેવાનું પરમ ધામ સર્જવાની નેમ સાથે શહેરની ભાગોળે જામનગર રોડ, પડધરી પાસે સદભાવના વૃધ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહયું છે તેમજ વૈશ્વિક પર્યાવરણના જતન માટે કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવવાના ઉમદા હેતુથી સદભાવના વધ્ધાશ્રમ દ્વારા પૂ. મોરારિ બાપુની વૈશ્વિક રામકથાનું આયોજન આપણા રાજકોટના આંગણે કરવામાં આવેલ છે, તા.૨૩ નવેમ્બર શનિવારથી રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ‘‘માનસ સદભાવના’’ વૈશ્વિક રામકથાનો પ્રારંભ થવા જઈ રહયો છે અને રામકથાની તૈયારીઓ હવે અંતિમ ચરણમાં છે. રેસકોર્ષ મેદાન ખાતે રામકથા સ્થળ ખાતે જર્મન ડોમ, લાઈટ, મંડપ, સાઉન્ડ, એલ.ઈ.ડી. સ્ક્રીન સહિતની વ્યવસ્થાઓ રાખવામાં આવી છે. ભાવિકોની સુરક્ષા માટે સદભાવના વૃધ્ધાશ્રમ ટ્રસ્ટ દ્વારા ૨૦ કરોડનું વીમા કવચ લેવામાં આવ્યું છે. કોઈ આકસ્મિક ઘટના, આગ સહિતના જોખમોને આ વીમા પોલીસીમાં આવરી લેવામાં આવ્યા છે. આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાંથી વૈશ્વિક રામકથા માટે વીમો ઉતારવામાં આવ્યો છે, જેમા માટે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા રૂ.૪.૬૦ લાખનું પ્રીમિયમ ભરવામાં આવ્યું છે.
સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે પૂ. મોરારિ બાપુની ‘‘માનવ સદભાવના’’ વૈશ્વિક રામકથા તા. ૨૩ નવેમ્બર, શનિવારથી શરૂ થશે જે પૂર્વે વિરાણી હાઈસ્કૂલથી વિશાળ પોથીયાત્રા નીકળવાની છે. શનિવારે સવારે ૮૩૦ વાગ્યે વિરાણી હાઇસ્કુલ ગ્રાઉન્ડથી ભવ્ય પોથી યાત્રા શરૂ થશે જે હેમુ ગઢવી હોલ, યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક,બહુમાળી ભવન થઈ રેસકોર્સ ખાતે પહોંચશે. જેમાં ૨૦૦૦ મહિલાઓ રામચરિત માનસની પોથીને પોતાના મસ્તક પર ઉપાડશે.
શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આગામી તા.૨૩ નવેમ્બર, શનીવારના રોજ સાંજે ૪૦૦થી પ્રારંભ થઈ તા.૨૪ નવેમ્બર થી તા.૧ ડિસેમ્બર રોજ સવારે ૯૦૦ થી બપોરે ૧૩૦ સુધી રામાયણરૂપી જ્ઞાનગંગાનું પૂ. મોરારિબાપુ રસપાન કરાવશે. આ ભકિતસભર રામકથા શ્રવણપાનનો લાભ લેવા દરેક ધર્મપ્રેમી જનતાને જાહેર નિમંત્રણ પાઠવતા સદભાવના વૃધ્ધાશ્રમ પરિવારની યાદીમાં જણાવેલ છે.