અમારા વિસ્તારમાં કેમ રીક્ષા ચલાવે છે’ કહી 10 શખ્સોનો હુમલો
Rajkot, તા.૨૭
શહેરમાં લુખ્ખાઓને હવે જાણે ખાખીનો ખૌફ સહેજ પણ ન રહ્યો હોય તેમ છરી, ધોકા, પાઈપથી છાશવારે હુમલા કરી દેતા હોય છે. ત્યારે ઈન્દીરા સર્કલ ખાતે અલગ અલગ બે ડખ્ખામાં બે યુવકો પર છરી વડે સરાજાહેર હુમલો કરવામાં આવ્યો હોય તેવા બનાવો સામે આવ્યા છે.
પ્રથમ બનાવમાં ઇન્દિરા સર્કલ પાસે રિક્ષા ચલાવવા મામલે રિક્ષાચાલક પર પિતા-પુત્ર સહિત 10 શખ્સોએ હુમલો કરી છરીના બે ઘા ઝીંકી દેતા રિક્ષાચાલકને લોહીલોહાણ હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા યુનિવર્સીટી પોલીસ મથકના પીઆઈ સહિતનો કાફલો દોડી આવ્યો હતો અને ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ રૈયાધાર સ્લમ કવાર્ટરમાં રહેતા બાલાભાઈ દેવાભાઈ બોરીયા (ઉ.28) રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. આજે સવારે 10 વાગ્યે પોતે રિક્ષા લઈ ઈન્દીરા સર્કલ પાસે મુસાફરોની રાહ જોઈ ઉભા હતા ત્યારે ધસી આવેલા રિક્ષા ચાલક સુમીત ગોહીલે અમારા વિસ્તારમાં કેમ રિક્ષા ચલાવે છે કહી ઝઘડો શરૂ કર્યો હતો.
બાદમાં આરોપીએ ફોન કરતા તેના પિતા નિતીન ગોહીલ અને અન્ય આઠેક શખ્સો ધસી આવ્યા હતા અને મારામારી કરી રિક્ષાચાલકને છરીના બે ઘા ઝીંકી દેતા હાથમાં અને પડખામાં ગંભીર ઈજા પહોંચી હતી. બાદમાં આરોપીઓ હુમલો કરી નાસી છુટયા હતા. બાદમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને લોહીલોહાણ હાલતમાં સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે જાણ થતા યુનિ.પોલીસ મથકના પીઆઈ એમ.જી.વસાવા સહિતનો સ્ટાફ હોસ્પીટલે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તનું નિવેદન નોંધી આરોપીઓ સામે ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી હતી. વધુમાં ઈજાગ્રસ્તે જણાવ્યું હતું કે પંદર દિવસ પહેલા પણ આરોપી સુમીતે આકાશવાણી ચોકમાં તેઓ રિક્ષા લઈને જતા હતા ત્યારે પાછળથી વારંવાર હોર્ન વગાડી બાદમાં પેસેન્જર ભરવા મામલે ઝઘડો કર્યો હતો.
બીજા બનાવમાં ઇન્દિરા સર્કલ નજીક મિત્રના ઝગડામાં વચ્ચે પડેલા યુવક ઉપર શખ્સે છરી વડે હુમલો કરતા યુવકને કાનના ભાગે છરીનો ઘા લાગી જતા કાન કપાઈ જવાથી સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવના પગલે ગાંધીગ્રામ પોલીસે ત્રણ શખ્સો સામે કાર્યવાહી કરી છે.
પોલીસમાં નોંધાયેલી વિગત મુજબ રૈયારોડ પર નહેરુનગર શેરી નં-4માં સૌરભ હોલ પાસે રહેતો અને સ્વિગીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો ગઈકાલે સાંજે હું ઇન્દિરા ચોક ખાતે મિત્ર આફતાબ ની રાહ જોઈને ઉભો હતો ત્યારે આફતાબ ત્યાં આવતા જીજે-03-એનએમ-2978 નંબરના એક્સેસમાં આવેલા સાગર નારણ તેનો મિત્ર જય પ્રદીપ નીમાવત અને શુભમ વિજય ત્રણેય શખ્સો મિત્ર આફતાબ સાથે ઝગડો કરવા લાગતા હું તેને છોડાવવા વચ્ચે પડતા મારી સાથે મારામારી કરવા લાગ્યા હતા. અને સાગરએ નેફામાં રહેલી છરી કાઢી હુમલો કરતા નાક અને કાનના ભાગે ઇજા થવાથી છરીનો ઘા કાન પાસે વધુ લાગી જતા કાન કપાઈ ગયો હતો. અને પાછળથી છરીનો હાથો મારી ઢીકાપાટુનો મારમાર્યો હતો. લોકોના ટોળા એકઠા થઇ જતા ત્રણેય ઍક્સેસ લઇ ભાગવા જતા મેં ચાવી કાઢી લેતા દોરાવીને ભાગ્ય હતા અને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવની જાણ મારા ભાઈ તોફીકને કરતા એ આવી ગયો હતો અને મને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બનાવ અંગે યુવકની ફરિયાદના આધારે પોલીસે સાગર નારણ તેનો મિત્ર જય પ્રદીપ નીમાવત અને શુભમ વિજય સામે નવા કાયદા હેઠળની બીએનસી કલમ 118(1), 351(બી),54 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.