Mumbai,તા.28
ગુજરાત ટીમનો ઓપનર અને વિકેટકીપર ઉર્વિલ પટેલ T20 ફોર્મેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે બુધવારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ત્રિપુરા સામે માત્ર 28 બોલમાં સદી ફટકારી હતી.
આ મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ હતી. ઉર્વિલ પહેલા આ રેકોર્ડ રિષભ પંતના નામે હતો, જેણે 2018માં આ જ ટૂર્નામેન્ટમાં હિમાચલ પ્રદેશ સામે 32 બોલમાં સદી ફટકારી હતી. ઉર્વિલે 35 બોલમાં અણનમ 113 રન બનાવ્યા હતા. જેમાં 12 સિક્સ અને 7 ફોર ફટકારી હતી.
ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 155 રન બનાવ્યા હતા . જવાબમાં ગુજરાતે માત્ર 10.2 ઓવરમાં 2 વિકેટે 156 રન બનાવીને જીત મેળવી હતી. ઉર્વીલે ટીમને 8 વિકેટે જીત અપાવી હતી. તેણે ઓપનર આર્યન દેસાઈ સાથે પ્રથમ વિકેટ માટે 150 રનની ભાગીદારી કરી હતી.
સૌથી ઝડપી સદી ફટકારનાર ઉર્વિલ વિશ્વનો બીજો બેટ્સમેન બન્યો છે. જેણે T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારી છે. તેના પહેલા એસ્ટોનિયાના સાહિલ ચૌહાણે સાયપ્રસ સામે 27 બોલમાં સદી ફટકારી હતી.
ત્રીજા નંબર પર વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેલ છે. તેણે IPL-2013ની સિઝનમાં પુણે વોરિયર્સ સામે છઈઇ તરફથી રમતી વખતે 30 બોલમાં સદી ફટકારી હતી. રોહિત શર્મા ઝ-20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય છે. તેણે 2017માં શ્રીલંકા સામે 35 બોલમાં સદી ફટકારી હતી.
IPL મેગા ઓક્શનમાં ઉર્વીલ અનસોલ્ડ રહ્યો
IPL-2025ની મેગા ઓક્શનમાં ઉર્વિલ વેચાયો નહીં. આ હરાજી 24 અને 25 નવેમ્બરના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાઈ હતી. 2023ની મીની હરાજીમાં તેને ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો હતો. જોકે તેને મેચ રમવાની તક મળી ન હતી.

