ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિમલ ઉઘાસ ફરિયાદ બન્યા
Rajkot,તા.૩૦
રાજકોટ ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિમલ ઉધાસ પાસેથી મળેલી માહિતી મુજબ, કાત્યાયનીબેન તિવારીની શાળાની સ્કૂલની વિઝિટ કરવામાં આવી હતી. જેમાં રૂખસાનાબેન ઘેલાણીની ફરિયાદ હતી કે, ગૌરી અંગ્રેજી માધ્યમ સ્કૂલમાંથી લિવિંગ સર્ટિફિકેટ આપવામાં આવતું નથી. જે સમયે તેમના દ્વારા ધોરણ 5ની માર્કશીટ આપવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસને સાથે રાખી સ્કૂલમાં તપાસ કરવામાં આવતા ગૌરી ઇંગ્લીશ મીડિયમ સ્કૂલની ઓફિસમાંથી અક્ષર સ્કૂલની 11 તો રામકૃષ્ણ વિદ્યાલયની 2 માર્કશીટ ઉપરાંત નક્ષત્ર સ્કૂલના 6 લિવિંગ સર્ટિફિકેટ મળી આવ્યા હતા. આ પ્રકરણના 24 દિવસ બાદ પોલીસે આજે (29 જુલાઈ) એફઆઈઆર નોંધી છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગૌરી સ્કૂલના 25 વાલીઓ દ્વારા ફીની રસીદ આપવામાં આવી હતી. ઉપરાંત આ સ્કૂલમાં ઇકો કારમાં વિદ્યાર્થીઓને લઇ જતા ડ્રાઈવરનું નિવેદન લેવામાં આવ્યું છે. જેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ ન હોવાનું સામે આવ્યું છે. ભૂતકાળમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી 16 વર્ષની તેમજ રેડ સમયે ફરજ બજાવતી 17 વર્ષની દીકરીએ નિવેદન આપ્યું હતું કે, સ્કૂલ દ્વારા તેમને પગાર આપવામાં આવ્યો નથી. 25 વાલીઓ દ્વારા ગૌરી સ્કૂલના પ્રશ્નપત્રો, ફીની રસીદ અને પરિણામ મળી આવ્યા હતા. તે બાદ યુ ડાયસ ઉપર વિદ્યાર્થીઓનું ટ્રેકિંગ શરૂ કરવામાં આવતા અન્ય 5 શાળાઓ મળી આવી હતી. જેમાં પાંચ વર્ષ પહેલાં આ શાળામાં થયેલા એડમિશન મળી આવ્યા હતા જેમાં નામ શ્યામ વિદ્યાવિહાર સ્કૂલનું હતું જેનું નામ હવે બદલીને અક્ષર સ્કૂલ થઈ ગયું છે. આ ઉપરાંત એમ.બી પટેલ સ્કૂલમાં ગૌરી સ્કૂલનો વિદ્યાર્થી ભણતો હોવાનું સામે આવ્યું હતું. આ સાથે જ ગૌરી સ્કૂલનો વિદ્યાર્થી કે જેને રામદેવ વિદ્યાલયની હોલ ટિકિટ સાથે ધો. 10 બોર્ડની પરીક્ષા આપી હતી અને તેમાં તે વિદ્યાર્થી નાપાસ થયો હતો. ત્યાર બાદ પણ તે વિદ્યાર્થીને ગૌરી સ્કૂલમાં ભણાવવામાં આવતો હતો અને ફી ઉઘરાવવામાં આવતી હતી.
આ સાથે જ ઓલ માઈટી સ્કૂલ અને ગ્રેસ પ્રાઇમરી સ્કૂલમાં ગૌરી સ્કૂલના વિદ્યાર્થીઓના નામ નોંધાયેલા હોવાનું સામે આવ્યું હતું. 9 નામવાળી 8 ખાનગી શાળાઓ રાજકોટ કોર્પોરેશન વિસ્તારની છે. આ ઉપરાંત આ સમગ્ર પ્રકરણમાં નવોદિત ગ્રાન્ટેડ સ્કૂલની ભૂમિકા ખૂબ જ મોટી હોવાનું સામે આવ્યું છે. ગૌરી અંગ્રેજી માધ્યમ સ્કૂલના 1 વિદ્યાર્થીનું નામ આ ગ્રાન્ટેડ શાળામાં નોંધાયેલું હોવાનો ભાંડાફોડ થયો છે.