New Delhi,તા.20
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 495 મેચમાં સૌથી વધારે 1347 વિકેટ લેનાર શ્રીલંકન સ્પિનર મુથૈયા મુરલીધરને ભારતીય સ્પીનર રવિચન્દ્રન અશ્વિનની નિવૃતિ પર પ્રતિક્રિયા આપી છે. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે અશ્વિને તેની કારકિર્દીની શરૂઆત બેટસમેન તરીકે કરી હતી અને પાર્ટટાઇમ વિકલ્પ તરીકે સ્પિનમાં હાથ અજમાવ્યો હતો.
તેને ટુંક સમયમાં સમજાયું કે તેની બેટીંગની સંભાવનાઓ સમાપ્ત થઇ ગઇ છે. તેણે પોતાનું ધ્યાન બોલિંગ પર કેન્દ્રીત કર્યુ. આ સાહસિક પગલું લેવા બદલ અને તેણે જે હાંસલ કર્યુ છે અને બદલ તેને અભિનંદન 500 ટેસ્ટ-વિકેટ સુધી પહોંચવુ સરળ કામ નથી.
133 ટેસ્ટમાં સૌથી વધારે 800 વિકેટ લેનાર એકમાત્ર બોલર મુરલીધરન આગળ કહે છે કે જયારે હું મારી કરીઅરના છેલ્લા તબકકામાં હતો ત્યારે મને તે શીખવા માટે આતુર એક સ્માર્ટ યુવાન લાગ્યો. તેણે મારી પાસે સલાહ માગી, સારા પ્રશ્નો પુછયા અને પોતાને સુધારવા સખત મહેનત કરી. તેનું સમર્પણ અને શીખવાની ભૂખ તેને અન્ય લોકોથી અલગ બનાવે છે.
અશ્વિને પોતાને તામિલનાડુ ક્રિકેટ અને સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે. જયારે તેની કરીઅરનો અંત આવી રહ્યો હતો ત્યારે પણ તેનો શીખવાનો જુસ્સો કયારેય ઓછો થયો નથી. તે તેની સિધ્ધિઓથી સંતુષ્ટ નહોતો તે હંમેશા આગળ વધતો રહે છે.

