Melbourne,તા.21
ડેવિડ વોર્નરની નિવૃત્તિ સાથે શરૂ થયેલી સિઝન હવે પૂરી થવા જઈ રહી છે. પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમ હજુ સુધી આ ઓપનરનો વિકલ્પ શોધી શકી નથી. કાંગારૂઓએ પહેલાં સ્ટીવ સ્મિથને ઉસ્માન ખ્વાજાના ભાગીદાર તરીકે અજમાવ્યો હતો પરંતુ સફળતા મળી ન હતી. ત્યારબાદ યુવા નાથન મેકસ્વિનીને ભારત સામેની બોર્ડર-ગાવસ્કર શ્રેણીની ત્રણ મેચોમાં તક આપવામાં આવી હતી.
તે પણ કોઈ ચમત્કાર કરી શક્યો નહિ. હવે બાકીની બે મેચો માટે ઓસ્ટ્રેલિયાએ 19 વર્ષીય સેમ કોસ્ટાસ પર દાવ લગાવ્યો છે. તેને પ્રથમ વખત ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે બોક્સિંગ ડે ટેસ્ટમાં ખ્વાજા સાથે ઓપનિંગ કરી શકે છે.
શાનદાર ફોર્મમાં છે
સેમ શાનદાર ફોર્મમાં છે. તેણે ન્યૂ સાઉથ વેલ્સ તરફથી રમતી વખતે સાઉથ ઑસ્ટ્રેલિયા સામે સતત બે સદી સાથે સિઝનની શરૂઆત કરી હતી, શેફિલ્ડ શીલ્ડમાં આવું કરનાર રિકી પોન્ટિંગ પછીનો સૌથી યુવા ખેલાડી બન્યો હતો. તેણે છેલ્લાં ત્રણ સપ્તાહમાં જોરદાર પ્રદર્શન કર્યું છે.
આમાં કેનબેરામાં ભારત સામે વડાપ્રધાન 11 માટે ગુલાબી બોલમાં સદી, પશ્ચિમ ઓસ્ટ્રેલિયા સામે શેફિલ્ડ શિલ્ડમાં 88 રન અને સિડની થંડર માટે બીબીએલમાં 56 રનની ઇનિંગનો સમાવેશ થાય છે. એવી સંભાવના છે કે સેમ 90 હજાર દર્શકોની ક્ષમતાવાળા મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં તેની આંતરરાષ્ટ્રીય ઇનિંગની શરૂઆત કરશે.
મસ્વિનીએ સતત છ ઇનિંગ્સમાં નિરાશ કર્યા
પર્થમાં પ્રથમ ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર 25 વર્ષીય મેકસ્વીની અડધી સદી ફટકારવામાં નિષ્ફળ રહ્યો છે. છ ઇનિંગ્સમાં તે 14.40 ની સરેરાશથી 72 રન બનાવવામાં સફળ રહ્યો છે. આ દરમિયાન તેણે 212 બોલનો સામનો કર્યો હતો. તેણે ભારતીય બોલરો સામે રન બનાવવા માટે સંઘર્ષ કર્યો હતો. બુમરાહે તેને ચાર વખત પોતાનો શિકાર બનાવ્યો હતો. તેને બુમરાહના 66 બોલમાં માત્ર 15 રન જ બનાવી શક્યો હતો.
ખ્વાજા પણ સંઘર્ષ કરી રહ્યાં
માત્ર મેકસ્વિની જ નહીં, ખ્વાજા અને ત્રીજા નંબરનાં બેટ્સમેન માર્નસ લાબુશેન પણ રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. ટોપ ઓર્ડરની નિષ્ફળતાનો ભોગ કાંગારુઓએ સહન કરવું પડી રહ્યું છે. ખ્વાજા 12.60 ની એવરેજથી માત્ર 63 રન જ બનાવી શક્યો છે. આમાં 21 રન તેનો સર્વોચ્ચ સ્કોર છે. લેબુશેને પાંચ ઇનિંગ્સમાં 16.80ની એવરેજથી 82 રન બનાવ્યાં છે. આમાં 64 રન તેનો સર્વોચ્ચ સ્કોર છે જે ગુલાબી બોલથી બન્યો હતો.
ત્રણ વર્ષ પછી રિચાર્ડસનનું કમબેક
ફાસ્ટ બોલર રિચર્ડસનને ત્રણ વર્ષ બાદ ટીમમાં બોલાવવામાં આવ્યો છે. જાન્યુઆરી 2019 માં શ્રીલંકા સામે ડેબ્યૂ કરનાર રિચર્ડસને છેલ્લે ડિસેમ્બર 2021માં એડિલેડમાં ઇંગ્લેન્ડ સામે ગુલાબી બોલની મેચ રમી હતી. જેમાં તેણે પોતાની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને પાંચ વિકેટ ઝડપી હતી. તેણે ત્રણ ટેસ્ટમાં 11 વિકેટ ઝડપી છે. આ વર્ષે આઇપીએલમાં પરત ફર્યા બાદથી તે કોઈપણ અવરોધ વિના શાનદાર બોલિંગ કરી રહ્યો છે. તેનું ક્રિકેટમાં પુનરાગમનમાં સુધારેલી ફિટનેસે મહત્વની ભૂમિકા ભજવી છે.
સેમ 13 વર્ષમાં સૌથી યુવા ઓસ્ટ્રેલિયન ખેલાડી બની શકે
2 ઓક્ટોબરે પોતાનો 19મો જન્મદિવસ ઉજવનાર કોસ્ટાસને જો ચોથી ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનમાં પસંદ કરવામાં આવે છે, તો તે છેલ્લાં 11 વર્ષમાં ઓસ્ટ્રેલિયા માટે ડેબ્યૂ કરનાર સૌથી યુવા ખેલાડી હશે અને એકંદરે તેનાં દેશમાં ચોથો સૌથી યુવા ખેલાડી હશે. ઑસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સે 2011માં જોહાનિસબર્ગમાં સાઉથ આફ્રિકા સામે પહેલી ટેસ્ટ રમી ત્યારે તે 18 વર્ષ અને 193 દિવસનો હતો. ઓસ્ટ્રેલિયાનો પહેલો યુવા ખેલાડી રેકોર્ડ ઈયાન ક્રેગ છે જે 17 વર્ષ 239 દિવસે ડેબ્યુ કર્યુ હતું. કોમિસ બીજા ક્રમે અને ટોમ ગેરેટ ત્રીજા ક્રમે છે.

