Melbourne,તા,23
ભારતીય ટોપ ઓર્ડર ટીમ મેનેજમેન્ટ માટે ચિંતા વધારી રહ્યોં છે. તેની નિષ્ફળતા ટીમને ભારે પડી રહી છે. ઓપનિંગ જોડી કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલને બાદ કરતાં ટોચનાં ક્રમનાં અન્ય બેટ્સમેન રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાનાં છેલ્લાં પ્રવાસમાં જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત અને શુભમન ગિલ પણ કાંગારૂઓ સામે દમ તોડી રહ્યાં છે.
બંનેમાંથી કોઈ અડધી સદી પણ ફટકારી શક્યું ન હતું. કેપ્ટન રોહિત શર્મા ત્રણ ઇનિંગ્સમાં માત્ર 19 રન જ બનાવી શક્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ શનિવારે સ્વીકાર્યું હતું કે ટોપ ઓર્ડર રન ન બનાવવાથી નીચલા ઓર્ડર પર દબાણ રહે છે. તેણે બોક્સિંગ ડે ટેસ્ટમાં બેટ્સમેનો પાસેથી વધુ સારા પ્રદર્શનની આશા વ્યક્ત કરી છે.
જાડેજાએ કહ્યું કે, જ્યારે ભારત બહાર રમે છે, ખાસ કરીને ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકામાં તો ટોપ ઓર્ડરના રન ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જ્યારે ટોપ ઓર્ડર રન બનાવતાં નથી ત્યારે નીચલા ઓર્ડર પર દબાણ રહે છે.
આશા છે કે ટોપ ઓર્ડર અને મિડલ ઓર્ડર આ ટેસ્ટમાં સારા રન બનાવશે. તેમણે કહ્યું કે ટીમને ટોપ ઓર્ડરથી સારા પ્રદર્શનની જરૂર છે. જો તમામ બેટ્સમેન યોગદાન આપશે તો ટીમનું પ્રદર્શન વધુ સારું રહેશે. કેએલ રાહુલ સિવાય ભારતનાં ટોપ ઓર્ડર બેટ્સમેનો બ્રિસ્બેનમાં કંઈ ખાસ કરી શક્યાં ન હતાં.
નેટ પર હોમવર્કમાંથી મળેલી મદદ
પ્રથમ બે ટેસ્ટમાંથી બહાર રહેલાં જાડેજાને બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં તક આપવામાં આવી હતી. જાડેજાએ કહ્યું કે પ્રથમ બે ટેસ્ટમાંથી બહાર રહેવાથી તેને પરિસ્થિતિને અનુરૂપ થવા અને ગાબા ટેસ્ટની તૈયારી કરવાનો સમય મળ્યો હતો. તેમણે કહ્યું કે મને અહીંની પરિસ્થિતિઓમાં પોતાને અનુકૂળ થવા માટે ઘણો સમય મળ્યો છે. હું લાંબાં સમયથી અહીં છું અને સતત બેટિંગ અને બોલિંગની પ્રેક્ટિસ કરી રહ્યો છું, તેથી હું પરિસ્થિતિને સમજી ગયો છું અને નેટ પ્રેક્ટિસથી મને ઘણી મદદ મળી છે.
મેલબોર્નમાં ટ્રેવિસ હેડ નિશાના પર હશે
ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન ટ્રેવિસ હેડ ભારત માટે સૌથી મોટો માથાનો દુખાવો બની રહ્યો છે. તેણે શ્રેણીની પ્રથમ ઇનિંગમાં 11 રન બનાવ્યાં હતાં. પછીની ત્રણ ઇનિંગ્સમાં 89, 140 અને 152 રન બનાવ્યાં હતાં.
એડિલેડમાં ગુલાબી બોલથી શાનદાર સદી ફટકારીને ટીમને 1-1 થી ડ્રો કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર 26 ડિસેમ્બરથી શરૂ થનારી ચોથી અને બોક્સિંગ ડે ટેસ્ટમાં ભારતીય બોલરોનું નિશાન હેડ હશે.
આ માટે ટીમમાં રણનીતિ તૈયાર કરવામાં આવી છે. ભારતીય ઝડપી બોલર આકાશ દીપે રવિવારે સંકેત આપ્યો હતો કે ભારત આ બેટ્સમેન સામે શોર્ટ પિચ બોલનો ઉપયોગ હથિયાર તરીકે કરી શકે છે. તેમણે કહ્યું કે અમે જે વ્યૂહરચના બનાવી છે તેનાં વિશે અમે કહી શકતાં નથી ઝડપી બોલર તરીકે અમે એક જ પ્રકારનાં બોલ ફેંકીશું અને શિસ્તબદ્ધ બોલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. અમે બંને બાજુથી બોલિંગ કરીશું.તેમણે કહ્યું કે અમે પિચ અને પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરી તે મુજબ રણનીતિ બનાવીશું.અમે તેને ટકી રહેવાની તક નહીં આપીએ.
બોક્સિંગ ડે ટેસ્ટ નામ કેવી રીતે પડયું
મેલબોર્નમાં રમાતી આ મેચને બોક્સિંગ ડે ટેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ માટે ઘણાં કારણો જવાબદાર છે. ખરેખર, ક્રિસમસ પછીનો દિવસ ઘણાં દેશોમાં બોક્સિંગ ડે તરીકે ઓળખાય છે. કેટલીક માન્યતાઓ અનુસાર, નાતાલનાં દિવસે ચર્ચમાં એક બોક્સ રાખવામાં આવે છે. આ બોક્સમાં ગરીબો માટે ભેટ રાખવામાં આવે છે.
નાતાલનાં બીજા દિવસે, બોક્સ ખોલવામાં આવે છે અને ગરીબોમાં સામાન વહેંચવામાં આવે છે. આ કારણે તેને બોક્સિંગ ડે પણ કહેવામાં આવે છે. ક્રિકેટમાં બોક્સિંગ ડે ટેસ્ટની શરૂઆત 1892માં મેલબોર્નમાં રમાયેલી શેફિલ્ડ શિલ્ડ મેચથી થઈ હતી.
છેલ્લી પાંચ બોક્સિંગ ડે ટેસ્ટમાં ભારતનું પ્રદર્શન
ક્રિસમસના બીજા દિવસે ભારત ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ જ કારણ છે કે મેલબોર્નમાં રમાયેલી આ મેચને બોક્સિંગ ડે ટેસ્ટ પણ કહેવામાં આવી રહી છે. બોક્સિંગ ડે ટેસ્ટમાં ભારતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. જો આપણે છેલ્લી પાંચ બોક્સિંગ ડે ટેસ્ટના પરિણામો પર નજર કરીએ તો, ભારતનું પ્રદર્શન સારું રહ્યું છે.
ભારતે 2014,2018, અને 2020 માં ઓસ્ટ્રેલિયાનો સામનો કર્યો હતો. 2018 માં ભારત 137 રનથી જીત્યું હતું જ્યારે 2020માં ભારત આઠ વિકેટે જીત્યું હતું. 2021 અને 2023 માં, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ રમાઈ હતી. બંનેમાં ભારતીય ટીમનો વિજય થયો હતો.

