વ્યાજ ઉપર જીએસટીની રકમ બેંક લઈ શકે નહીં તેવા આધાર પુરાવા સાથે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરાઈ છે
Rajkot,તા.26
શહેરમાં રહેતા એક્સિસ બેંકના ખાતાધારક પીનાકભાઈ ભોગાયતા દ્વારા એક્સિસ બેન્ક વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા અધિનિયમ અંતર્ગત કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ દાખલ કરતાં બેંકને નોટિસ ફટકારી છે.ફરિયાદમાં જણાવેલ છે કે, તેઓએ બેંકની એપ ડાઉનલોડ કરી હતી અને ક્રેડિટ કાર્ડ ફેસીલીટી મેળવી હતી. બેંક દ્વારા ક્રેડિટ કાર્ડ ઉપર લોન આપવા અંગે જુદી જુદી ઓફર કરવામાં આવેલ હતી અને તે ઓફરના ભાગરૂપે જુદા જુદા લાભ આપવામાં આવશે તેમ જણાવેલ હતું. આમ બેંકની ઓફરનો લાભ લેવા માટે રૂ.9 લાખની લોન લીધી હતી. જે ખાતામાં જમા આપવામાં આવેલ હતી. લોન આપ્યા બાદ બેંક દ્વારા મંથલી સ્ટેટમેન્ટ પૂરું પાડવામાં આવતા ઇએમઆઇ પ્રોસેસ ફી ઉપર અને ઇએમઆઇ ઇન્ટરેસ્ટ ઉપર આશરે 25000 જેટલી રકમનો જીએસટી લગાવવામાં આવેલ હતો. જેથી આ જીએસટીની રકમ બેંક લઈ શકે નહીં તેવા આધાર પુરાવા સાથે હાલની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. ફરિયાદ ધ્યાને લઈ કનઝ્યુમર કોર્ટે બેંકને નોટિસ પાઠવી છે. આ કેસમાં ફરિયાદી વતી કન્ઝ્યુમર કાયદાના નિષ્ણાંત એડવોકેટ ગજેન્દ્ર જાની, રાજેશ દલ, નિખિલ ભટ્ટી, જતીન ભટ્ટ, મહેશ જોષી, નિલેશ દવે રોકાયેલ છે.