Rajkot તા.૨૬
રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ચાર્જફેમ થાય તે પહેલા ૧૫ આરોપીઓ પૈકી ટીપીઓ સાગઠિયા સહિત ત્રણે અગાઉ તહોમતમાંથી બીનતહોમત (ડિસ્ચાર્જ) છોડી મુકવા અરજીઓ દાખલ કર્યા બાદ કોર્ટે આપેલી સમય મર્યાદામાં માત્ર એક આરોપી એટીપીઓ ગૌતમ જોષીએ ડિસ્ચાર્જ અરજી મુક્તા કરતા હવે આ બાબતે માત્ર ચાર આરોપીની અરજી ઉપર ૩જી જાન્યુઆરીના રોજ સુનાવણી હાથ ધરાશે એમ મનાય છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત ૨૭ લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવને ગંભીરતાથી લઇ રાજ્ય સરકાર દ્વારા નિમવામાં આવેલી એસ.આઇ.ટી.ની તપાસમાં આ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી, બાંધકામ સહિતની અનેક બાબતોમાં મહાપાલિકા સહિતના તંત્રો દ્વારા ગેમઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ હોવાના કારણે આ દુઃખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું. તેથી ટીઆરપી ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા અધિકારીઓ સહિત ૧૫ શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. દરમિયાન આ કેસમાં ચાર્જશીટ થયા બાદ ગઇ તા. ૧૯ ડિસેમ્બરની મુદતે ટી.પી.ઓ. સાગઠીયા, એ.ટી.પી.ઓ. મુકેશ રામજી મકવાણા અને જયદીપ ચૌધરીએ કેસ કોર્ટેમાં ચાર્જફેમ થાય તે પહેલા બિનતહોમત છોડી મુકવા અરજીઓ દાખલ કરવામાં આવતા ત્રણેય આરોપીઓ ઉપરાંત હજુ વધુ આરોપીઓ પણ પોતાની સામેનું તહોમત પડકારી કેસ ચાર્જફ્રેમ થાય તે પહેલા ડિસ્ચાર્જ અરજીઓ લાવી કેસ લંબાવવા કોશિશ ન કરે જે ધ્યાને લઇ કોર્ટે ડિસ્ચાર્જ અરજી કરવા માંગતા અન્ય આરોપીઓને તા. ૨૬ મી ડિસેમ્બર સુધીમાં અરજી કરવા મૌખિક આદેશ કરાયો હતો, તેમાં તારીખ ૨૬એ અન્ય ૧૨ આરોપીઓ પૈકી માત્ર એક આરોપી એટીપીઓ ગૌતમ દેવશંકર જોષી દ્વારા અગ્નિકાંડ કેસમાંથી ડિસ્ચાર્જ થવા અરજી મૂકવામાં આવતા, હવે ચારેય અરજીમાં ૩જી જાન્યુઆરીના રોજ સુનાવણી હાથ ધરાશે એમ મનાય છે. આ કેસમાં સ્પે.પી.પી. તુષાર ગોકાણી, એડી. સ્પે.પી.પી. નીતેશ કથીરીયા, ભોગ બનનાર પરીવાર વતી રાજકોટ બાર એશો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ, અને એન.આર.જાડેજા રોકાયા છે.