Rajkot. તા.07
શહેર પોલીસમાં વહીવટ કરી કામ કરતાં અમુક કર્મીઓના લીધે તમામ જવાનો સહિત ઉચ્ચ અધિકારીઓને પણ નીચું જોવા જેવું થવા પામી રહ્યું છે. તેમનો વધું એક પુરાવો ગઈકાલે એસીબીની ટીમે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલને રૂ.1 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેતાં પોલીસ ફરીવાર કલંકીત બની હતી.
ચોરાઉ મોબાઈલ પરત આપવાના બદલામાં મહિલા કોન્સ્ટેબલે રૂ.1500 ની લાંચ માંગી અને રૂ.1 હજાર સ્વીકારતાં જ મહિલા પોલીસ પકડાઈ ગઈ હતી. પ્રાપ્ત વિગત મુજબ, યુનિવર્સિટી વિસ્તારમાં રહેતા એક યુવકના મોબાઇલ ફોનની અગાઉ ચોરી થઇ હતી. યુવકે આ અંગે ગાંધીગ્રામ-2 (યુની.) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબરની ટીમે ચોરાઉ ફોન પોલીસે શોધી કાઢ્યો હતો.
આ ફોન મૂળ માલિકને સોંપવાની કાર્યવાહી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના સાયબર ક્રાઈમ વિભાગમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ અનિતા ઈશ્વરભાઇ વાઘેલાએ શરૂ કરી હતી. મહિલા કોન્સ્ટેબલે મોબાઈલ માલિકને ફોન કરી તેમનો ફોન મળી ગયાનું કહી તેમને રૂબરૂ બોલાવ્યા હતા.
મોબાઇલ માલિક યુવક પોલીસ સ્ટેશને ગયો ત્યારે મહિલા કોન્સ્ટેબલે મોબાઇલ પરત જોઇતો હોય તો રૂ.2 હજાર આપવા પડશે તેમ કહી લાંચ માગી હતી અને રકઝકના અંતે રૂ.1500 માં નક્કી થયું હતું.
બે દિવસ બાદ મોબાઇલ લેવા આવો ત્યારે પૈસા આપવાનું નક્કી થયું હતું. યુવક લાંચ આપવા ઇચ્છતો ન હોય તેણે આ અંગે રાજકોટ એસીબીમાં જાણ કરતાં રાજકોટ એકમ એસીબીના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના માર્ગદર્શન પીઆઈ દેકિવાડીયા અને ટીમ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું.નક્કી થયા મુજબ ગઈકાલે યુવક મોબાઇલ લેવા માટે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના સાયબર ક્રાઇમ રૂમમાં ગયો હતો અને ત્યાં ફરજ પર રહેલા કોન્સ્ટેબલ અનિતા વાઘેલાને લાંચના રૂ.1000 આપ્યા હતા.
અનિતા વાઘેલાએ લાંચની રકમ હાથમાં સ્વીકારી તે સાથે જ એસીબીની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને અનિતાને ઝડપી લીધી હતી. મહિલા કોન્સ્ટેબલ પોલીસ મથકમાં જ લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ જતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં સોંપો પડી ગયો હતો. લાંચની રકમમાંથી અન્ય કોઇને હિસ્સો આપવાનો હતો ?, અગાઉ કોઈ પાસેથી લાંચ લીધી હતી? તે સહિતના મુદ્દે એસીબીએ કોન્સ્ટેબલની પૂછપરછ શરૂ કરી હતી. તેમજ કોન્સ્ટેબલના ઘરે પણ એસીબીની એક ટીમે તપાસ શરૂ કરી હતી.