New Delhi,તા.10
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફ્રાન્સ અને અમેરિકાની પાંચ દિવસની મુલાકાતે જશે. ખાસ કરીને મોદીની અમેરિકા મુલાકાત પર દેશના આર્થિક નિષ્ણાંતો, ઉદ્યોગ-વ્યાપાર જગતના લોકોની નજર છે. અમેરિકામાં જે રીતે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ વોર છેડયુ છે તે પછી ભારત તેમાં કેવુ બચી શકે છે તે મહત્વની બની રહેશે.
મોદી ફ્રાન્સમાં આવતીકાલથી પ્રારંભ થનારી આર્ટીફીશ્યલ-ઈન્ટેલીજન્સ એકશન સમીટમાં ભાગ લેશે. જેમાં વિશ્વના ટોચના રાષ્ટ્રનેતાઓ પણ હાજર રહેનાર છે અને ખાસ કરીને એઆઈમાં જે રીતે હવે નવી સ્પર્ધા છેડાઈ છે તથા તેના ઉપયોગથી ‘જોખમો’ પણ વધ્યા છે તેના પર ચર્ચા થશે.
મોદી તા.13ના અમેરિકા પહોંચશે જયાં તેઓ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ‘શોર્ટ-નોટીસ’ આમંત્રણથી પહોંચી રહ્યા છે અને આજે દેશો વચ્ચે જે વ્યાપાર ખાધ છે તે મુદે ચર્ચા થશે. અમેરિકા ઈચ્છે છે કે તેમના ઉત્પાદનોને ભારતમાં હળવા-ટેરીફથી પ્રવેશ મળે.
હાલમા જ કેન્દ્રીય બજેટમાં જે રીતે અનેક ઉત્પાદનો પર આયાત જકાત ઘટાડાઈ તે મોદી સરકારનું પ્રથમ પગલુ છે જે બાદ હવે ટ્રમ્પને ‘ખુશ’ કરવા કેવા પગલા લેવાશે તે પ્રશ્ન છે.
તો ડોનાલ્ડ ટ્રમ્પ હવે ‘કવાડ’ લશ્કરી સમજુતી જે ચીન અને ખાસ કરીને દક્ષિણ ચીન મહાસાગરમાં ચાઈનીઝ અંકુશ સામે છે તે મુદે ભારત-અમેરિકા-ઓસ્ટ્રેલિયા,જાપાનની સંયુક્ત લશ્કરી તાકાત માટે બાઈડન તંત્રએ જે વ્યુહ ઘડયા હતા તેને આગળ વધારશે તેના પર નજર છે.
ફ્રાન્સની મુલાકાતમાં ભારતીય નૌકાદળ માટે સી-રાફેલ લડાયક વિમાન ખરીદીનો સોદો થશે અને અમેરિકા સાથે પણ સી-હોક હેલીકોપ્ટર, ડ્રોન સહિતના લશ્કરી સોદા કરીને ભારત ટ્રમ્પના ટેરીફથી બચવા માટે કવાયત કરશે.