યમુનાની સફાઈ, કચરાના પહાડો અને મફતના ઢગલા દિલ્હીમાં સત્તા મેળવવા જઈ રહેલી ભાજપ સામે ૧૦ સૌથી મુશ્કેલ પડકારો
New Delhi,તા.૧૧
દિલ્હીમાં ઐતિહાસિક જીત બાદ, ભાજપ સામે સૌથી મોટો પડકાર રાજ્યની આર્થિક સ્થિતિને સંતુલિત કરવાની સાથે તેના વિશાળ ચૂંટણી વચનો પૂરા કરવાનો છે. ભાજપે દિલ્હીની ચૂંટણી આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલના યમુનાની સફાઈ, રસ્તાનું પાણી, કચરાના પહાડો અને સ્વચ્છતાના મુદ્દે અધૂરા વચનો પર લડી હતી. દિલ્હીની ચૂંટણી માટેના તેના ઢંઢેરામાં, ભગવા પાર્ટીએ કેજરીવાલના અધૂરા વચનો જનતાને પૂરા કરવાનું વચન આપ્યું હતું અને છછઁ કરતા આગળ કેટલીક મફતની જાહેરાત પણ કરી હતી. હવે જ્યારે દિલ્હીની જનતાએ ભાજપનો ૨૭ વર્ષનો વનવાસ ખતમ કરી દીધો છે, ત્યારે પાર્ટીની સામે તેના ઢંઢેરામાં આપેલા વચનો પૂરા કરવાનો પડકાર છે.
ભાજપના મુખ્ય વચનોમાં ગરીબ મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે દર મહિને રૂ. ૨,૫૦૦ની નાણાકીય સહાય (૭૦ વર્ષથી ઉપરના લોકો માટે રૂ. ૩,૦૦૦ સુધી), તમામ સગર્ભા સ્ત્રીઓ માટે રૂ. ૨૧,૦૦૦ અને ગરીબ પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે કિન્ડરગાર્ટનથી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી મફત શિક્ષણનો સમાવેશ થાય છે. આ વચનો પૂરા કરવા માટે જરૂરી બજેટ અને દિલ્હીની આર્થિક સ્થિતિ વચ્ચે મોટો વિરોધાભાસ છે. જો કે ભાજપ માટે રાહતની વાત છે કે કેન્દ્રમાં પણ તેની સરકાર છે. તેથી, તેમણે દિલ્હીમાં તેમના વચનો પૂરા કરવા માટે નાણાકીય તંગીનો સામનો કરવો ન પડે. તેમ છતાં, કેટલાક વચનો એવા છે જે બજેટ ઉપલબ્ધ હોવા છતાં પૂરા કરવા એટલા સરળ નથી.
દિલ્હી સરકારના ડેટા અનુસાર, ૨૦૨૪-૨૫ માટે રાજ્યની અંદાજિત કર આવક રૂ. ૫૮,૭૫૦ કરોડ છે, જ્યારે કુલ બજેટ રૂ. ૭૬,૦૦૦ કરોડ છે. દિલ્હીનું શિક્ષણ બજેટ રૂ. ૧૬,૩૯૬ કરોડ (કુલ બજેટના ૨૨%) છે, ત્યારબાદ આવાસ, શહેરી વિકાસ, આરોગ્ય સંભાળ, પરિવહન અને સામાજિક કલ્યાણ કાર્યક્રમો અને યોજનાઓ પર ખર્ચ થાય છે. દિલ્હીના નાણા વિભાગે પહેલેથી જ સંભવિત ખાધ અંગે ચિંતા વ્યક્ત કરી છે, જેમાં પગાર, પેન્શન અને વહીવટી કાર્ય માટે બજેટના બે તૃતીયાંશ કરતાં વધુ ફાળવવામાં આવ્યા છે.
આ નાણાકીય વર્ષના અંત સુધીમાં દિલ્હી સરકારને કરવેરા અને અન્ય સ્ત્રોતોમાંથી મળેલી આવક રૂ. ૬૪,૧૪૨ કરોડથી ઘટીને રૂ. ૬૨,૪૧૫ કરોડ થવાનો અંદાજ છે. જો આપણે ભાજપના ચૂંટણી વચનો પર નજર કરીએ તો, મહિલાઓને દર મહિને રૂ. ૨,૫૦૦ ની નાણાકીય સહાયની યોજના પર લગભગ ૧૧,૦૦૦ કરોડ રૂપિયા વાર્ષિક ખર્ચ થવાની ધારણા છે. અંદાજ મુજબ, દિલ્હીમાં લગભગ ૨૪.૪ લાખ વરિષ્ઠ નાગરિકો છે. તેમને દર મહિને રૂ. ૨૫૦૦ (૭૦ વર્ષથી વધુ વયના લોકો માટે રૂ. ૩૦૦૦ પ્રતિ માસ) પેન્શન આપવા માટે વાર્ષિક રૂ. ૪,૧૦૦ કરોડની વધારાની જરૂર પડશે.
એ જ રીતે, છેલ્લા કેટલાક વર્ષોમાં એકલા યમુનાની સફાઈમાં લગભગ રૂ. ૮,૦૦૦ કરોડનો ખર્ચ થયો છે અને તેમ છતાં આ નદી દિલ્હીમાં ગટર બનીને રહી ગઈ છે. દિલ્હીની સરકારી હોસ્પિટલોને અપગ્રેડ કરવા માટે અંદાજિત રૂ. ૧૦,૨૦૦ કરોડની જરૂર છે. દિલ્હી મેટ્રોના વિસ્તરણ હેઠળ ત્રીજા તબક્કાને પૂર્ણ કરવા અને ચોથા તબક્કાના વિકાસ માટે રૂ. ૨,૭૦૦ કરોડની જરૂર પડશે. દિલ્હીની આર્થિક સ્થિતિ અને બજેટના કદને ધ્યાનમાં રાખીને ભાજપની રાજ્ય સરકારે ઉપરોક્ત કામો માટે કેન્દ્ર સરકાર પાસેથી નાણાકીય સહાય લેવી પડશે. દિલ્હી બીજેપી ચીફ વીરેન્દ્ર સચદેવા પહેલા જ કહી ચુક્યા છે કે કેન્દ્ર સરકાર આર્થિક મદદ આપવા માટે તૈયાર છે.
એક અખબાર સાથે વાત કરતા વીરેન્દ્ર સચદેવાએ કહ્યું, ‘કેન્દ્રએ અગાઉ દિલ્હી સરકારને આયુષ્માન ભારત યોજના જેવી પહેલો લાગુ કરવા માટે નાણાકીય મદદની ઓફર કરી હતી, પરંતુ છછઁએ દિલ્હીના લોકોને આ લાભ આપવાનો ઇનકાર કર્યો હતો. હવે જ્યારે ભાજપ જીતી ગયું છે, અમે અમારા વચનો પૂરા કરવા, લિકેજ પ્લગ કરવા અને ભ્રષ્ટાચારનો અંત લાવવા માટે ભંડોળની વ્યવસ્થા કરીશું. નવી સરકારને આગામી નાણાકીય વર્ષ માટેના બજેટને અંતિમ સ્વરૂપ આપવામાં ઓછામાં ઓછો એક મહિનાનો સમય લાગે છે. આ તરફ, નવી ભાજપ સરકાર માર્ચના અંત સુધીમાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે દિલ્હીનું બજેટ રજૂ કરી શકે છે. બજેટ રજૂ થયા બાદ જ ખબર પડશે કે ભાજપ તેના ચૂંટણી વચનો પૂરા કરવાનો રોડમેપ શું હશે.
દિલ્હી માટે બીજેપીના ૧૦ મોટા ચૂંટણી વચનો
૧. ત્રણ વર્ષમાં યમુનાની સફાઈ અને રિવરફ્રન્ટનું નિર્માણ.
૨. ત્રણ વર્ષમાં કચરાનો પહાડ ઓછો કરવો.
૩. ગરીબ પરિવારની દરેક મહિલાને ૫૦૦ રૂપિયામાં એલપીજી સિલિન્ડર, હોળી-દિવાળી પર એક-એક ગેસ સિલિન્ડર મફત.
૪. દરેક ગરીબ મહિલાને દર મહિને ૨૫૦૦ રૂપિયાની આર્થિક સહાય.
૫. દરેક સગર્ભા સ્ત્રીને ૨૧૦૦૦ રૂપિયાની નાણાકીય સહાય અને ૬ પોષણ કીટ.
૬. પ્રથમ કેબિનેટમાં આયુષ્માન ભારત યોજના લાગુ કરવામાં આવશે, ૧૦ લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મળશે.
૭. વરિષ્ઠ નાગરિકોનું અટકેલું પેન્શન શરૂ થશે. ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને દર મહિને ૨૫૦૦ રૂપિયા અને ૭૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને ૩૦૦૦ રૂપિયા પ્રતિ માસ મળશે.
૮. કલ્યાણકારી યોજનાઓ જેમ કે ૨૦૦ યુનિટ સુધીની મફત વીજળી, ૨૦ હજાર લિટર મફત પાણી, મહિલાઓ માટે મફત બસ મુસાફરી ચાલુ રહેશે. આ યોજનાઓને વધુ અસરકારક અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવામાં આવશે.
૯. દિલ્હીને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે ૧૩૦૦૦ નવી ઇલેક્ટ્રિક બસો ઉપલબ્ધ થશે. દિલ્હીને ૧૦૦% ઈ-બસ શહેર બનાવશે. અમે ૨૦ હજાર કરોડ રૂપિયા ખર્ચીને છેલ્લા માઈલની કનેક્ટિવિટી સુનિશ્ચિત કરીશું.
૧૦. ઓટો-ટેક્સી ડ્રાઇવરો, ઇ-રિક્ષા ડ્રાઇવરો, ઘરેલું સહાયક અને ગીગ કામદારો માટે રૂ. ૧૦ લાખ સુધીનું જીવન વીમા અને રૂ. ૫ લાખ સુધીનું અકસ્માત વીમા કવરેજ પ્રદાન કરશે.