Ahmedabad,તા.૨
આજકાલ ઓનલાઈન એપ્લિકેશન દ્વારા વહીક્લ બૂક કરાવીને મુસાફરી કરવાનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. એમાં પણ કશે પણ જવું હોય તો ટુ-વ્હીલર બૂક કરાવીને જલ્દી પહોંચી જવાય છે, એટલે ઘણા લોકો ઓનલાઈન એપ્લિકેશનથી ટુ-વ્હીલર બૂક કરાવતા હોય છે. ત્યારે હવે અમદાવાદના રિક્ષાચાલકોએ એપ્લિકેશનથી ચાલતા ખાનગી ટુ-વ્હીલરથી મુસાફરોને લઈ જવાનો વિરોધ કર્યો છે.
અમદાવાદના રિક્ષાચાલકોએ આની સામે આંદોલન શરૂ કર્યું છે. ઓનલાઇન એપ્લિકેશનમાં ચાલતા ટુ-વ્હીલર સામે અમદાવાદના રિક્ષાચાલકોએ પોસ્ટર યુદ્ધ શરૂ કર્યું છે. રિક્ષાચાલકોની માંગ છે કે સફેદ નંબર પ્લેટવાળા ટુ-વ્હીલર તાત્કાલિક બંધ કરવામાં આવે. અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા પોસ્ટર યુદ્ધ શરૂ કરવામાં આવ્યું છે. ઇર્ંની મિટિંગમાં યોગ્ય પ્રતિસાદ ન મળતા આજથી પોસ્ટર યુદ્ધ શરૂ કરવામાં આવ્યું છે. રિક્ષાચાલકોએ રિક્ષા ઉપર પોસ્ટર લગાવી પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનનું કહેવું છે કે સફેદ નંબર પ્લેટવાલા ટુ-વ્હીલર બંધ કરવા માટે છેલ્લા બે વર્ષથી સતત રજૂઆત કરાઈ રહી છે. આવા વાહન ચાલુ રહેતા રિક્ષા ચાલકોની રોજીરોટી બચાવવા આજથી આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. ચાલકોએ રિક્ષાઓ પર પોસ્ટર લગાવ્યા છે. આ પોસ્ટર પર લખવામાં આવ્યું છે કે ઓનલાઇન એપ્લિકેશન દ્વારા પેસેન્જરમાં ચાલતા ગેરકાયદેસર સફેદ નંબર પ્લેટ ટુ-વ્હીલર બંધ કરો. છેલ્લા બે વર્ષથી રિક્ષા ચાલકોની રજૂઆત તે છતાં નિરાકરણ ન આવતા આંદોલનની શરૂઆત. પોસ્ટર યુદ્ધથી શરૂઆત બાદ, વિરોધ પ્રદર્શન બાદ, ભૂખ હડતાલ બાદ, રિક્ષા હડતાલ. આ પોસ્ટર પરથી સ્પષ્ટ છે કે જો રિક્ષાચાલકોની માંગણી નહીં સંતોષાય તો, તેમની માંગણી પર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગળ જતા આંદોલન વધુ ઉગ્ર બની શકે છે. રિક્ષાચાલકોએ આગળ જતા વિરોધ પ્રદર્શન તેમજ ભુખ હડતાલ કરવાની પણ તૈયારી બતાવી છે. તેમજ રિક્ષા ચાલકો રિક્ષા બંધનું એલાન પણ જાહેર કરે, તેવી શકયતા છે.