Surat,તા.21
સુરત પાલિકાના અનામત પ્લોટ ભાડે આપવાનો વિવાદ ચાલી રહ્યો છે તેમાં પણ આ પ્લોટ ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોને આપ્યા હોવાની ફરિયાદ છે અને આ પ્લોટ લોકો માટે ન્સયુન્સ બની ગયાં છે. હવે આ પ્લોટ ભાડે લેનારાઓએ 800 કિલોથી વધુ વજનની લોખંડની ગ્રીલ બારોબાર વેચી મારી હોવાની ફરિયાદ સાથે આવી પ્રવૃત્તિ કરનારા સામે પોલીસ ફરિયાદ કરવા માટેની માંગણી પાલિકાના વિરોધ પક્ષે કરી છે.
સુરત પાલિકાએ પ્લોટ ભાડે આપ્યા છે તેમાં મોટાભાગના પ્લોટમાં કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી હતી તેને તોડીને દુકાનો બનાવી દેવામાં આવી છે. આ અંગે પાલિકાના વિપક્ષી કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ મ્યુનિ. કમિશ્નરને પત્ર લખ્યો છે. આ પત્રમાં ટીપી 17 (ફુલપાડા) એફપી 56, અને બીજો પ્લોટ ટીપી 16 (કાપોદ્રા) એફપી 44 આ બંને પ્લોટ માટે ફરીયાદ કરી છે. આ બન્ને પ્લોટમાં કમ્પાઉન્ડ વોલ હતી અને ઇજારદારને ભાડે આપતા આ બંને ઈજાદારોએ સુરત મહાનગરપાલિકાની કોઈપણ જાતની પરમિશન લીધા વગર કંપાઉન્ડ વોલ તોડીને પોતાનો ધંધો શરૂ કરી દીધો છે.