Vadodara,તા.૨૨
વિદેશમાં રહેતા ભારતીયો પર એક પછી એક મોટા સંકટ આવી રહ્યાં છે. ત્યારે વડોદરાનો યુવાન કતારના દોહામાં ફસાયો છે. કતારના દોહામાં ટેક મહિન્દ્રા નામની આઈટી કંપનીમાં કન્ટ્રી હેડ તરીકે ફરજ બજાવતા અમિત ગુપ્તાને ત્રણ મહિનાથી કતારી સ્ટેટ સિક્યોરિટી દ્વારા કેદ કરાયો છે. પરિવારે પીએમઓમાં મદદ માંગી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાનો અમિત ગુપ્તા નામનો યુવક કતારના દોહામાં ટેક મહિન્દ્રા નામની આઈટી કંપનીમાં કન્ટ્રી હેડ તરીકે ફરજ બજાવે છે. કતારની સ્ટેટ સિક્યોરિટી દ્વારા અમિત ગુપ્તાને છેલ્લા ત્રણ મહિનાથી ખોટી રીતે કેદમાં રાખ્યો છે. ૪/૪ ની નાની અને ડાર્ક રૂમમાં અમિત ગુપ્તાને કેદ કર્યો છે. અમિત ગુપ્તા સામે પોલીસ કેસ દાખલ કર્યા સિવાય કેદમાં રાખવામા આવ્યો છે. એટલું જ નહિ, અમિત ગુપ્તાના પરિવારને પણ મળવા નથી દેવાતા. જેથી વડોદરાના તરસાલીમાં આવેલ મધુવન સોસાયટીમાં રહેતા યુવકના માતા પિતા ખૂબ ચિંતિત બન્યા છે. અમિત ગુપ્તાની પત્નીએ પીએમઓમાં મદદ પણ માંગી છે. પરિવાર પીએમઓ પાસેથી મદદની આશાએ બેસ્યું છે.
અમિતના માતા પિતાએ પોતાનો પુત્ર હેમખેમ પાછો ભારત ફરે તેવી સરકાર પાસે માંગ કરી છે. વર્ષ ૨૦૧૩ થી અમિત ગુપ્તા કતારના દોહામાં નોકરી કરતો હતો. અમિત ગુપ્તા પર આઈટી કંપનીના ડેટા ચોરી કરવાનો આરોપ લગાવી તેને ખોટી રીતે કેદ કરાયો છે. જેને કારણે અમિતના બે બાળકો અને પત્ની પણ ખૂબ ચિંતિત બન્યા છે.
અમિતના પિતાએ આનંદ મહિન્દ્રાને ઈ-મેઈલ કરી તેમજ પત્ર કુરિયરથી મોકલી મદદ પણ માંગી છે. પરંતું આનંદ મહિન્દ્રા પણ આ કેસમાં મદદ નથી કરી રહ્યાં.