Mumbai,તા.૨૨
ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સે આઇપીએલ ૨૦૨૫ માં અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું નથી. ટીમે આ સિઝનમાં અત્યાર સુધીમાં ૮ મેચ રમી છે, જેમાંથી તેણે ફક્ત ૩ મેચ જીતી છે. જ્યારે, તેને પાંચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પોઈન્ટ ટેબલમાં ૬ પોઈન્ટ સાથે સાતમા સ્થાને રહેલી કેકેઆર માટે પ્લેઓફનો માર્ગ મુશ્કેલ બની ગયો છે.
કોલકાતાની ટીમે આ સિઝનમાં વધુ છ મેચ રમવાની છે. ટીમ પાસે હાલમાં ૬ પોઈન્ટ છે અને આઇપીએલમાં, ૧૬ પોઈન્ટ ધરાવતી ટીમો ઘણીવાર પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહે છે. પ્લેઓફમાં પહોંચવા માટે કેકેઆરને અહીંથી ઓછામાં ઓછા ૧૦ વધુ પોઈન્ટની જરૂર છે. આ માટે તેમને બાકીની ૬ મેચોમાંથી ૫ જીતવી પડશે. જો કેકેઆર અહીંથી પાંચ મેચ જીતવામાં સફળ રહે છે, તો તે સરળતાથી ૧૬ પોઈન્ટ પર પહોંચી જશે. બીજી તરફ, જો તેઓ બાકીની બધી મેચ જીતી જાય છે, તો તેમની પાસે ૧૮ પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચવાની તક રહેશે. આવી સ્થિતિમાં, અહીંથી દરેક મેચ કોલકાતા માટે કરો યા મરો જેવી છે. તેનું લક્ષ્ય અહીંથી બાકીની ૬ મેચ જીતવાનું રહેશે. પરંતુ કોલકાતા હાલમાં જે ફોર્મમાં છે તે જોતાં, તે સરળ નહીં હોય.
૨૧ એપ્રિલના રોજ રમાયેલી મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સને ગુજરાત ટાઇટન્સ સામે ૩૯ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિઝનમાં દ્ભદ્ભઇનો આ પાંચમો પરાજય હતો. પ્રથમ બેટિંગ કરતા, ગુજરાતે શુભમન ગિલ અને સાઈ સુદર્શનની અડધી સદીની મદદથી ૨૦ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને ૧૯૮ રન બનાવ્યા. જવાબમાં,કેકેઆર ટીમ ૨૦ ઓવરમાં ફક્ત ૧૫૯ રન જ બનાવી શકી. આ જીત સાથે ગુજરાતની ટીમના ૧૨ પોઈન્ટ થયા છે. ગુજરાતે આ સિઝનમાં અત્યાર સુધીમાં ૮ મેચ રમી છે, જેમાંથી તેણે ૬ જીતી છે અને ૨ હારનો સામનો કરવો પડ્યો છે. જીટી હાલમાં પોઈન્ટ ટેબલમાં નંબર ૧ પર છે.