લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં દાખલ થયેલા સસરાની રિક્ષામાં પથ્થર વડે તોડફોડ : બે વિરુદ્ધ ગુનો
Gondal,
ગોંડલમાં રિસામણે રહેલી પુત્રીના પતિએ સસરાને લોખંડના પાઇપ વડે માર મારી લોહીલુહાણ કરી દીધા હતા. હુમલાને પગલે લોહી લુહાણ થયેલા પ્રૌઢ રીક્ષા ચાલક સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે દાખલ થતાં જમાઈ હોસ્પિટલ ખાતે ધસી ગયો હતો અને પથ્થરના ઘા ઝીંકી રિક્ષામાં તોડફોડ કરી હતી.
ગોંડલની મોટી બજાર નજીક સાટોડિયા શેરીમાં રહેતા 56 વર્ષીય રીક્ષા ડ્રાયવર રોહીતભાઇ ઓસમાણભાઇ પતાણીએ ગોંડલ સીટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સુલતાન ગફારભાઈ ગૂંગા અને એવાસનું નામ આપતાં જણાવ્યું હતું કે, મારે સંતાનામાં ત્રણ દિકરી તથા એક દિકરો છે. જેમાં દીકરી અશ્માના લગ્ન ગોંડલ ખાતે સુલતાનભાઇ ગુંગા સાથે કરેલ છે. ગઈકાલે સવારના છ વાગ્યે હું તથા મારી પત્નિ, દિકરી અશ્મા ઘરે હાજર હતા. ત્યારે આ અશ્માનો પતિ સુલતાન તથા તેમના મામાનો દિકરો એવાસ અમારા ઘરે આવેલ હતા અને ગાળો બોલવા લાગેલ હતા. બંને મારી પત્નિને કહેવા લાગેલ કે, તમે અહીંયા સારા ધંધા કરતા નથી. જેથી મે તેને બોલવાની ના પાડતા સુલતાન એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને ત્યાં બાજુમાં પડેલ એક લોખંડનો પાઇપ લઇને મને શરીરના ભાગે મારવા લાગેલ હતો. જે પાઇપ મને માથાના ભાગે લાગી જતા મને માથામાંથી લોહી નિકળવા લાગેલ હતું. જે બાદ મારી પત્ની તથા દિકરી વચ્ચે પડતા આ સુલતાને કહેલ કે, આજે તો તુ બચી ગયો છે, આજ પછી હાથમાં આવ્યો તો જીવતો નહીં છોડુ. દરમિયાન સુલતાનની સાથે આવેલ એવાસ પણ ગાળો બોલતો હતો. બાદ હું સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પીટલ ગોંડલ ખાતે આવેલ તો આ સુલતાન હોસ્પીટલ ખાતે ધસી આવ્યો હતો બહાર પડેલી મારી રીક્ષામાં પથ્થરના ઘા ઝીંકી તોડફોડ કરી હતી.
મામલામાં પ્રૌઢે ફરિયાદમાં બનાવનું કારણ જણાવતા કહ્યું હતું કે, અશ્મા છેલ્લા દોઢેક મહિનાથી અમારા ઘરે રીસામણે હોય તેનો ખાર રાખી સુલતાન અને તેના મામાંના દીકરાએ ઘર ધસી આવીને હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનામાં ગોંડલ સીટી પોલીસ ટીમે બંને શખ્સોં વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.