Tehran તા.9
ઈરાન સાથેની સમજુતીનો અંત લાવ્યા બાદ ફરી એક વખત અમેરિકાએ શરુ કરેલા હુમલામાં એક જ રાતમાં અડધાથી વધુ ઈરાનને ધમરોળી નાંખ્યુ હતું અને પ્રથમ વખત ભારતે વિકસાવેલા ઈરાનના ચાબહાર બંદર પર પણ અમેરિકી દળોએ મિસાઈલ દાગ્યા હતા.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે જાહેર કર્યુ હતું કે, ઈરાનની ડિફેન્સ સીસ્ટમ સમુદ્રી ક્ષેત્ર પર નજર રાખતી રડાર વ્યવસ્થા, મિસાઈલ તથા ડ્રોન સ્ટોરેજ મથકો તથા નૌકાદળ અને અન્ય લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રકચર પર એક જ રાતમાં 90 ટાર્ગેટ પર હુમલા કરાયા છે અને તેમાં ત્રણથી વધુ લોકો માર્યા ગયા છે. પરંતુ ઈરાનના સૈન્ય મથકોને ભારે નુકશાન પહોંચાડાયું છે.
બીજી તરફ ઈરાને વળતા જવાબમાં બહેરીન અને કુવૈતમાં અમેરિકી મથકોને નિશાન બનાવ્યા હતા. ખાસ કરીને બહેરીનમાં અમેરિકા નૌકા કાફલાના મથક ખાતે મિસાઈલ દાગ્યા હતા અને તેને કારણે ભારે વિસ્ફોટ અને આગજનીના દ્રશ્યો જોવા મળ્યા છે.
ઈરાનમાં પણ 10 વિસ્તારો જેમાં બુસેહર તથા અબુમિસા અને કેસમ ટાપુ ક્ષેત્રમાં ભારે બોમ્બમારો કર્યો હતો. અબુમુસા ટાપુ એ ઈરાનનો ગલ્ફ ક્ષેત્રનો સૌથી મોટો સ્ટેટેજીક લશ્કરી વ્યુહરચનામાં સામેલ છે અને તેના પર 10 જેટલા વિસ્ફોટના અવાજો સંભળાયા હતા.
આમ ભારે તબાહીના સંકેત છે. બીજી તરફ અમેરિકાએ જાહેર કર્યુ છે કે આ હુમલા સપ્તાહો સુધી ચાલી શકે છે અને અમેરિકીદળો તે માટે તૈયાર છે. બીજી તરફ ઈરાને જાહેર કર્યુ છે કે અમારા પર થનારા દરેક હુમલાનો હવે જવાબ અપાશે અને હવેની થપ્પડ આકરી હશે.
આ યુદ્ધ ફરી શરુ થતા ગલ્ફ ક્ષેત્રમાં ફરી એક વખત જબરો ભય વ્યાપી ગયો છે અને બહેરીન તથા કુવૈતમાં વારંવાર હવાઈ હુમલા વિરોધી સાયરનો ગાજતી સંભળાઈ હતી. અમેરિકી અધિકારીએ દાવો કર્યો હતો કે હવે ઈરાનને બોધપાઠ ભણાવવાનો છે જેથી તે સમજી શકે કે અમે મજાક કરતા નથી તો ઈરાને પણ જાહેર કર્યુ છે કે હવે અમારી એક આકરી થપ્પડની રાહ જોજો.
ભારતના નવ ઓઈલ ટેન્કર હોર્મુઝમાં ફસાયા
ફરી એક વખત ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરુ થતા જ હોર્મુઝ જળમાર્ગમાં ભારતના નવ જેટલા ઓઈલ ટેન્કર ફસાઈ ગયા છે અને હવે તેને સલામત કઈ રીતે બહાર લાવવા તે અંગે કવાયત શરુ થઈ છે.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે, ઈરાન પર આધાર રાખે છે કે તે વ્યાપારી જહાજોને કઈ રીતે પસાર થવા દે છે. જો તેના પર હુમલો થશે તો બચાવમાં અમે આવશું. બીજી તરફ ઈરાને યુદ્ધ શરુ થતા જ ઓમાન કોરિડોરમાં રહેલા ભારતીય ઓઈલ ટેન્કરોને પાછા મોકલી દીધા છે.
હવે આ ઓઈલ ટેન્કરો ઈરાન નજીકના હોર્મુઝ જળમાર્ગથી પસાર કરવાની મંજુરી મળે છે કે કેમ તેના પર નજર છે અને ફરી એક વખત ભારત માટે ઈંધણની સપ્લાય જાળવવાનો પડકાર સર્જાયો છે.
ભારતે વિકસીત કરેલી ચાબહાર પોર્ટ પર હુમલો કરાયો
અમેરિકાએ પ્રથમ વખત ઈરાનના ચાબહાર પોર્ટને નિશાન બનાવ્યુ છે. વાસ્તવમાં આ બંદર ભારતે વિકસીત કર્યુ છે અને ત્યાં ઓઈલ સ્ટોરેજથી લઈને ભારતને ઈરાન જે ક્રુડતેલ પુરા પાડે છે તેના ટ્રાન્સપોર્ટેશનની સુવિધા છે અને ભારતે અહી અબજો ડોલરનું રોકાણ કર્યુ છે. અત્યાર સુધી અમેરિકાએ આ બંદર પર હુમલા કર્યા ન હતા હવે તેને નિશાન બનાવતા ભારત માટે પણ નવી સમસ્યા પેદા થઈ છે.
લડાઈ મહિનાઓ સુધી ચાલી શકેઃ અમેરિકા
ઈરાન પર ફરી એક વખત શરુ થયેલા હુમલામાં હવે અમેરિકાએ જાહેર કર્યુ છે કે તે ઈરાનને પુરી રીતે શબક શિખવવા માંગે છે અને આ યુદ્ધ એક-બે દિવસ, એક-બે હપ્તા કે મહિનાઓ સુધી ચાલી શકે છે.
તેમણે જણાવ્યું કે, એ વાત પર નિર્ભર થશે કે ઈરાન હોર્મુઝ જળમાર્ગ પર વ્યાપારી જહાજોને સલામત પસાર થવા દેશે કે કેમ, જો આ હુમલા નહી કરાય તો અમે ઈરાનને સમજુતીમાં જવા માટે દબાણ વધારશું. પરંતુ હોર્મુઝની સલામતી એ અમારી પ્રાથમીકતા છે.

