London, તા. 9
ભારતીય ટીમનાં ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા આગામી ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે સિરીઝ માટે સમય કરતાં વહેલાં લંડન પહોંચી ગયાં છે. 14 જુલાઈથી બર્મિંગહામમાં શરૂ થઈ રહેલી આ સિરીઝ માટે રોહિતે ત્યાંની સ્થાનિક ક્લબો, જેવી કે સ્લો ક્રિકેટ ક્લબ અને સ્વિનકોમ્બ ક્રિકેટ ક્લબ ખાતે પોતાનાં મિત્રો અને સ્થાનિક બોલરો સાથે જોરશોરથી નેટ પ્રેકિ્ટસ સેશન શરૂ કરી દીધાં છે.
હવે આંતરરાષ્ટ્રીય સ્તરે માત્ર વનડે ફોર્મેટ રમી રહેલાં 39 વર્ષનાં રોહિત શર્મા, ઇંગ્લેન્ડની મુખ્ય ટીમ સાથે જોડાતા પહેલાં ત્યાંની સ્થાનિક પરિસ્થિતિઓ અને વાતાવરણથી સંપૂર્ણ રીતે અનુકૂળ થવા માંગે છે.
રોહિત શર્માનો ઇંગ્લેન્ડની ધરતી પર વનડે રેકોર્ડ અત્યંત શાનદાર રહ્યો છે, જ્યાં તેમણે 27 મેચોમાં 64.9ની ધમાકેદાર સરેરાશથી 1428 રન બનાવ્યાં છે, જેમાં કોઈ પણ વિદેશી બેટ્સમેન દ્વારા ફટકારાયેલી સૌથી વધુ 7 સદી સામેલ છે.
તાજેતરમાં અફઘાનિસ્તાન સામેની સિરીઝ પહેલાં હેમસ્ટ્રિંગની ઈજાના કારણે કેટલીક ચિંતાઓ હતી, પરંતુ રોહિતે ચેન્નાઈમાં 79 રનની શાનદાર ઇનિંગ રમીને પોતાની ફિટનેસ અને લય સાબિત કરી દીધી હતી.
હાલમાં ભારતીય ટી20 ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસ પર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે, તેથી બર્મિંગહામ, કાર્ડિફ અને લંડન ખાતે યોજાનારી આગામી વનડે મેચોમાં ભારતને જીત અપાવવા માટે અનુભવી રોહિત શર્માનું ફોર્મમાં હોવું ખૂબ જ જરૂરી બની રહેશે.

