રમતા રમતા માસુમ કુંડીમાં ખાબક્યો, પરિવારમાં શોક
Rajkot,તા.09
શહેરના કાથરોટા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ચાર વર્ષનું બાળક રમતાં રમતાં પાણીની કુંડીમાં પડી જતા ચકચાર મચી જવા પામી છે, જેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાયો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, મૂળ મધ્યપ્રદેશના અને હાલ કાથરોટા ગામે ભાયાસર રોડ પર આવેલી એક વાડી વિસ્તારમાં રહેતા આકાશ કૈલાશભાઈ વસુમિયા (ઉં ૪ વર્ષ) સવારે આઠેક વાગ્યાના અરસામાં વાડીમાં રમી રહ્યો હતો.
રમતાં રમતાં અચાનક આકાશ અકસ્માતે પાણીની કુંડીમાં ખાબક્યો હતો. બાળકના પિતાનું ધ્યાન જતાં તેને તાત્કાલિક બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તબીબોએ જોઈ તપાસી માસુમને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક આકાશના પિતા ખેતી કામ કરી પરિવારની ગુજરાન ચલાવે છે પોતે બે ભાઈઓમાં મોટો હતો. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. બનાવને લઈ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

